રાજકોટ
રાજકોટના પ્રેમીયુગલે દોઢ મહિના પૂર્વે ભાગીને સુરતમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. આ મુદ્દે રોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ સુરતથી પ્રેમીયુગલનું અપહરણ કરી બંનેને મારકૂટ કરી હતી અને જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક યુવક પર પેટ્રોલ છાંટી દીધું હતું અને કાંડી ચાંપવાની ધમકી આપી હતી, એટલું જ નહીં યુવતીને તેના પરિવારજનો ઉઠાવી ગયા હતા. જે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૪ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના મોરબી રોડ પરની તિરુપતિ સોસાયટીમાં રહેતો યોગેશ રામજીભાઇ ભૂત નામનો યુવક જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલના બિછાનેથી યોગેશે કહ્યું હતું કે, તે એક કારખાનામાં કામ કરતો હતો. જે કારખાનામાં મીનલ નામની યુવતી પણ કામે આવતી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો.પરિવારજનો એક નહીં થવા દે તેવી ભીતિ લાગતાં દોઢ મહિના પૂર્વે યોગેશ અને મીનલ ભાગીને સુરત પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારજનો આ ઘટનાથી રોષે ભરાયા હતા અને સુરત પહોંચી ગયા હતા. સુરતથી યોગેશ અને મીનલને ઉઠાવી લઇ કારમાં અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા અને રસ્તામાં ઢોરમાર માર્યો હતો. ઘંટેશ્વર નજીક લઇ ગયા બાદ એ શખ્સની સાથે બે વકીલ પણ આવ્યા હતા અને મારકૂટ કરી લખાણ કરાવી લીધું હતું એટલું જ નહીં એક શખ્સે યોગેશના લમણા પર રિવોલ્વર તાકી હતી અને થોડીવાર બાદ તેના પર પેટ્રોલ છાંટ્યું હતું, કાંડી ચાંપી મારી નાખવાની ધમકી આપી યુવતીને પોતાની સાથે લઇનાસી ગયા હતા. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી લાખા ગોલતર, ભુપત ગોલતર, જીવણ ગોલતર અને સંજય ગોલતરની ધરપકડ કરી રાયોટીંગ અને અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે આરોપીઓની પુછપરછ હાથ ધરી છે.
