ગાંધીનગર
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ મીટ તથા સહયોગથી આ મીટ યોજાઈ રહી છે. જેમાં વિવિધ ૧૦ પ્રકારની ઇવેન્ટ થશે, આ સ્પર્ધામાં કુલ ૧૧ લાખનાં ઇનામો આપવાનું આયોજન છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૬ઠ્ઠી માર્ચે આ એથ્લેટિક્સ મીટનું ઉદ્ઘાટન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, રાજ્યના ગ્રામવિકાસ અને ગૃહનિર્માણ ખાતાના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે થશે. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અર્જુનસિંહ રાણા પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ લિખિત ‘૧ હજારથી વધુ ભારતીય રમતો’નું વિમોચન પણ થશે. ગુજરાતમાં રમતગમતના માહોલને પ્રોત્સાહન આપવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા કુલપતિ હર્ષદભાઈ શાહની પ્રેરણાથી તથા કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં આ મીટનું આયોજન કરાયું છે. આ મીટનું સમગ્ર સંકલન વિદ્યાનિકેતનના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલ તથા આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ સંભાળી રહ્યા છે. મીટ અંગે માહિતી આપતા કુલપતિ હર્ષદભાઈ શાહે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજાેડ યુનિવર્સિટી છે. રમત-ગમત બાળકના વિકાસનો મહત્ત્વનો આયામ હોવાથી ભવિષ્યની ૨૦૩૬ની ઓલિમ્પિકમાં ભારતને વધુ સારી સિદ્ધિ મળે તે માટે આ ઐતિહાસિક મીટનું આગવું આયોજન કરાયું છે. નડિયાદમાં યોજાનારો આ રમતોત્સવ ચાર દિવસ સુધી ચાલશે, રોજ ૧૦ ઇવેન્ટ થશે. જેના વિજેતાઓને રોજ સાંજે ઇનામ અપાશે. આ સ્પર્ધાના વિજેતા બાળકોની સ્પોર્ટ્સની ટેલેન્ટને વધુ વિકસાવીને તેને સતત પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને લઈ જવાના પ્રયાસો પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે, તેમ વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલે જણાવ્યું હતું.ગુજરાત રાજ્યની પ્રથમ અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો ૬ઠ્ઠી માર્ચથી નડિયાદમાં મરીડા ભાગોળમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દબદબાભેર પ્રારંભ થશે. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૭૨૬૬ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ બાળકો રમતનાં મેદાનમાં ઊતરશે એ સાથે રસાકસીભરી સ્પર્ધાઓ જામશે.
