ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટસ સંકુલ બનશે : બજેટમાં જાહેરાત કરાઈ
જિલ્લા સેવા સદન નજીક ઈણાજ ખાતે ૧૨ એકર જમીનની ફાળવણી કરાઈ
સિન્થેટિક ટ્રેક સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે: ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખાર મળશે -સિનિયર કોચ કાનજી ભાલીયા
ગિરગઢડા તા 5
ભરત ગંગદેવ…
તાજેતરમાં રાજ્ય સરકારના બજેટ ૨૦૨૨-૨૩માં ગીર સોમનાથ જિલ્લાને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. જેથી જિલ્લાના રમતવીરોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.
આ માટે જિલ્લા સેવા સદન નજીક ઈણાજ ખાતે ૧૨ એકર જેટલી જમીનની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. તેવી વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજી ભાલીયા જણાવે છે કે, રાજ્યર સરકારે બજેટ ર૦૨૨-૨૩માં ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. આ સ્પોર્ટસ સંકુલમાં સિન્થેટિક ટ્રેક, ઈનડોર હોલ, હોસ્ટેલ સહિતની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવશે. આ સ્પોર્ટસ સંકુલમાં આઉટડોર ઉપરાંત ઈનડોર રમતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી જિલ્લાના તમામ રમતવીરો પોતાની પ્રતિભાને વધુ નિખાર આપી શકશે.
ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, અને ગીર ગઢડામાં તાલુકા રમત સંકુલ બનાવવાની વિચારણા ચાલી રહી હોવાનું ભાલીયાએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ ઉપરાંત રાજ્યમાં વલસાડ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર અરવલ્લી સુરત અને નવસારી ખાતે જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલના નિર્માણ માટે રૂ.૪૭ કરોડની પ્રથમ તબક્કામાં જોગવાઈ કરવામાં આવી છે.
