રાજકોટ
રશિયા-યુક્રેન યુદ્ધની અસર, અનલોક બાદ ડિમાન્ડ નીકળતા અને કોરોના બાદ ચાઈના સાથે અન્ય દેશોએ પોતાના વ્યાપારના સંબંધ તોડી નાખતા રાજકોટના એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલમાં મળતા ઓર્ડરની સંખ્યા ૫૦ ટકા વધી ગઈ છે, પરંતુ તેની સાથે રો-મટિરિયલ્સમાં સતત થતો ભાવવધારો, કન્ટેનરની અછત અને તેના ભાડા ઉંચા થયા છે. જે કન્ટેનરનો ભાવ ૩૫૦૦ ડોલર હતો તે વધીને ૬ હજાર ડોલર સુધી પહોંચ્યો છે. રો-મટિરિયલ્સના ભાડામાં ૨૦ ટકાનો વધારો થયો છે. આ પરિસ્થિતિમાં વેપાર કરવામાં નુકસાની જ રહે છે. જેને કારણે અત્યારે ઉદ્યોગકારોને ઓર્ડર મળતા હોવા છતાં તે સ્વીકારી શકતા નથી. જેને કારણે રાજકોટના ઉદ્યોગોને અત્યારે દર મહિને અંદાજિત રૂ.૨૦૦ કરોડથી વધુ નુકસાની જાય છે. અત્યારે વિદેશમાંથી મળતા ઓર્ડર સ્વીકારી લેવામાં આવે તો ઔદ્યોગિક એકમોમાં જૂન મહિના સુધી કામ ખૂટે એમ નથી. તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ફાઉન્ડ્રી ક્લસ્ટરના ડિરેક્ટર બ્રિજેશભાઈ દુધાગરા જણાવે છે. રો-મટિરિયલ્સના રોજે-રોજ ભાવ વધતા જાય છે. એટલે ફિક્સ કિંમત નક્કી નથી થતી. એટલે જે ઓર્ડર આપનાર વ્યક્તિ હોય તેના બજેટ તૈયાર કરી નથી શકતા. લોંગ ટર્મના પ્લાનિંગ હાલમાં કોઇ કરતું જ નથી. નવા ઓર્ડર સ્વીકારાઈ જાય તે માટે ઓર્ડર આપનાર તે દરેક પરિસ્થિતિને અનુરૂપ થવા તૈયાર થાય છે અને તેમાં ઓફર આપે છે. ઓર્ડર હોવા છતાં તે સ્વીકારી શકાતા નથી.પરિણામે કારખાનામાં કામ ઘટી રહ્યું છે અને કર્મચારીઓને છૂટા કરવા પડે છે. જાે આવુ લાંબો સમય ચાલ્યું તો અત્યારે વતન જતા મજૂરો ત્યાં જ રોકાઇ જશે. તેઓ પરત ફરશે નહિ અને જ્યારે વેપાર-ઉદ્યોગમાં કામ નીકળશે ત્યારે મજૂરોની અછત સર્જાશે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ગુજરાતમાંથી રશિયામાં રૂ.૨૮૦૦ કરોડ અને યુક્રેનમાં રૂ. ૬૦૦ કરોડનું એક્સપોર્ટ થયું હતું. જેમાં ટેક્સ્ટાઈલ્સ, કોટન- ફાર્માસ્યૂટિકલ સહિતની દરેક પ્રોડક્ટનો સમાવેશ થઇ જાય છે. જેમ કોરોના બાદ ચાઈના સાથે વ્યાપાર કરનારા દેશોએ ઈન્ડિયા સાથે વેપાર કરવાનું યોગ્ય માન્યંન હતું. તેવી જ રીતે હવે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ અત્યારે જે કારખાનામાં કામ છે તેના કરતા ડબલ વધારો થઈ જશે. કારણ કે, ભારત દેશમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એમ.એસ.એમ.ઈ. એકમો વધારે આવેલા છે અને તે ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ છે. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ૨૪ કેરેટ સોનાના ભાવે રૂ.૫૨ હજારની સપાટી કુદાવી છે. સોના-ચાંદીમાં ભાવ વધતા તેની અસર વેપાર પર જાેવા મળે છે. લોકો પોતાની પાસે રહેલી લિક્વિડિટી બચાવીને રાખી રહ્યા છે. મોંઘા ભાવની ખરીદી કરવા માટે કોઇ તૈયાર થતું નથી એટલે નવી ખરીદી અટકી છે. તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયા જણાવે છે.જ્યારે વર્તમાન સેક્રેટરી મયૂરભાઈ આડેસરાના જણાવ્યાનુસાર રાજકોટની સોની બજારમાં નવા વેપાર અટકી ગયા છે. કોઈ રિસ્ક લેવા માટે તૈયાર નથી. જે રોકાણ કરનાર વર્ગ છે તે ઓછી રકમમાં પોતાની પાસે રહેલુ સોનું વેચવા માટે તૈયાર નથી. આથી, જે વેચાણ આવતું હોય તે પણ અટકી ગયું છે. જાે આ પરિસ્થિતિ રહી તો સોનાના ભાવ હજુ વધી શકે તેમ છે. અત્યારે જે ઈન્કવાયરી આવી રહી છે તે સ્વીકારવી લેવામાં આવે તો બીજા બધા ઓર્ડર સાઈડમાં મૂકીને તેના પર જ કામ કરવું પડે. એ મુજબ મહિને ઓટોમોબાઈલ્સમાં એક લાખ પાર્ટસનું ઉત્પાદન કરવું પડે અને તેના માટે વધારાના મજૂરો તેમજ રો-મટિરિયલ્સની પણ જરૂર પડે તેમ એક્સપોર્ટર કાર્તિકભાઈ જસાણી જણાવે છે.


