અમદાવાદ
આગામી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં ૨૯ સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને ૩૦મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ ૧નું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર સમીક્ષા કર્યા બાદ તેઓએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું પણ નિરીક્ષણ કર્યું હતું. ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવશે. કાલુપુર મેટ્રો સ્ટેશન પર ફેઝ ૧ના પૂર્વ પશ્ચિમ કોરિડોરને જાેડતી થલતેજ- વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો ટ્રેનમાં અંદાજે ૨૦૦ મહિલાઓ અને બાળકો સાથે બેસી થલતેજ દુરદર્શન ટાવર સુધી આવશે અને ત્યારબાદ ત્યાં જાહેર સભા યોજશે. આ કાર્યક્રમના આયોજનના પગલે કાલુપુર મેટ્રો સ્ટેશન પર રાજ્યના મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ મોટેરા ખાતે પણ સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હતી. ૨૯ મી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંજે મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં એક લાખ જેટલા લોકો હાજર રહેશે. ૩૦ સપ્ટેમ્બરના કાલુપુર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસી અને થલતેજ દુરદર્શન કેન્દ્ર ખાતે આવી ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે ૬૦,૦૦૦ જેટલા લોકો હાજર રહેવાના છે આ બે દિવસના સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રો અને પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.


