વલસાડ
રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી, ચૂંટણી પ્રચાર સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ પોલીસે પણ ચેકિંગની કાર્યવાહી તેજ કરી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમે વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગુજરાત અને દમણની બોર્ડર પર ઉમરગામના એક વેપારીની કારમાંથી રોકડા ૧૬ લાખ રૂપિયા મળી આવ્યાં હતા. જેથી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ સક્રિય થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની અડીને વલસાડ જિલ્લો આવેલો હોવાથી આ સંવેદનસીલ જિલ્લો છે. વલસાડ જિલ્લાની બોર્ડર ઉપર ૭૨ જેટલી ચેકપોસ્ટ આવી છે. ત્યારે ગુજરાત અને દમણની બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગની ટીમે ઉમરગામના ફૂડ કોર્નર અને મોલ સંચાલક હર્ષ રાણાની કારમાંથી રૂ. ૧૬ લાખ રોકડા મળી આવ્યાં હતા. જેથી સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા કારને ડિટેન કરી ઉમરગામના વેપારીની પૂછપરછ હાથ ધરી છે. વેપારીએ દમણ ખાતે રહેતા મામાને રૂપિયા આપવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.


