વાપી
વલસાડ જિલ્લામાં નશાકારક પદાર્થોનું હેરાફેરી અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસ શોધવા જિલ્લા એસપીએ આપેલ સુચના મુજબ એસઓજી પીઆઇ વી.બી.બારડ તથા પીએસઆઇ કે.જે.રાઠોડ અને પીએસઆઇ એલ.જી.રાઠોડ તેમની ટીમ સાથે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એએસઆઇ પ્રવિણ યાદવને મળેલી બાતમીના આધારે બલીઠા ગામ બ્રહ્મદેવ મંદિરની પાછળ આવેલ બલીઠા સલવાવ રોડ પર સાંઇ મંદિર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૨૦૬માં રેઇડ કરતા આરોપી શ્રવણકુમાર બિશ્નોઇ તથા તેની સાથે રહેતા ભેરારામ કેહનારામ ચૌધરી જાટ રહે.સાંઇ કૃપા રેસીડેન્સી બલીઠા બંને મુળ રહે. રાજસ્થાન પાસેથી ગેરકાયદે કાળાશ પડતું ઘટ્ટ તથા અફીણના નાના-મોટા ધન ટુકડા મળી કુલ ૧ કિલો ૩૦૩ ગ્રામ અફીણ સાથે પકડી પાડી બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. એસઓજીએ આરોપીઓ પાસેથી ૧ કિલો ૩૦૩ ગ્રામ અફીણ, બે બાઇક, બે ફોન, ડીજીટલ વજનકાંટો, રોકડા રૂ.૧૭૦૦, સ્ટીલનું બાથ મગ-ડબ્બીઓ સહિત કુલ રૂ.૨,૩૭,૬૮૫નો મુદ્દામાલ કબજે કર્યો છે. લોકડાઉન બાદ આરોપી માંગીલાલ છેલ્લા એક-દોઢ વર્ષથી અફીણ લાવી વેચાણ કરતો હતો. તેમજ આરોપી ભેરારામ નવેક વર્ષથી સેલવાસ વાપી ખાતે રહેતો અને વાપીમાં બુટ ચંપલનો વેપાર કરતો હતો. લોકડાઉન બાદ ધંધો બંધ થતા આર્થિક સંકડામણ હોવાથી માંગીલાલ પાસેથી પૈસા ઉછીના લઇ અફીણનો સેવન કરતો અને તે સાથે આ ધંધામાં જાેડાઇ ગયો હતો. આરોપી શ્રવણકુમાર અને ભેરારામ મુળ રાજસ્થાનના હોવાથી ત્યાંથી શ્રવણના સસરા માંગીલાલ સાથે મળી અફીણ લાવી તેમાં મધ અને ગોળ મિક્સ કરી કોથળી તથા સ્ટીલની ડબ્બીમાં ૨૫ ગ્રામના પેકીંગ કરી સંપર્કમાં રહેતા ટ્રક ચાલકોને ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયામાં વેચી દેતા હતા.વાપીના બલીઠા ખાતે એક ફ્લેટમાં રહેતા બે ઇસમોને પકડી પાડી તેમની પાસેથી એસઓજીની ટીમે ૧ કિલો ૩૦૩ ગ્રામ અફીણ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ટ્રકચાલકોને પડીકી બનાવી અફીણ વેચતા હતા તેવી કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.
