વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગર ખાતે યોજાયેલા ભવ્ય રોડ-શોમાં આજે અનેક પ્રકારની સાંસ્કૃતિક કલાની ઝલક જોવા મળી હતી. વિવિધ સમાજના ઠેર-ઠેરથી પધારેલા આગેવાનો, કલાકારો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જાજરમાન રોડ-શોમાં અનેક સાંસ્કૃતિક રાસ ગરબા અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આણદાબાવા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય ધારીવાવ, જામનગર સંસ્થાના ૧૨૫ વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સમગ્ર દેશના શુભ માંગલ્ય માટે ધાર્મિક વિધિ વિધાન સાથે ખૂબ જ સુંદર રીતે સંસ્કૃત શ્લોકોચાર કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના મુખ્ય કર્મચારી શ્રી મિહિરભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી જયારે છોટી કાશીની ધરતી પર પધાર્યા છે ત્યારે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ‘સર્વજન સુખાય‘ની કામના માટે સંપૂર્ણ ધાર્મિક વિધિ-વિધાન સાથે શ્લોક તેમજ પાઠનું પઠન કરવામાં આવ્યું છે. આજે અમારી અંતરની ઈચ્છા છે કે સમગ્ર દેશ અને દુનિયામાં શુભ માંગલ્ય જળવાઈ રહે, અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે આટલો આગળ ધપી રહ્યો છે, ત્યારે સતત આ પવિત્ર ભાવના જળવાઈ રહે. આ શુભ પ્રસંગે અમે સૌ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.
