જામનગર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયાના પરોડીયા રોડ પર આવેલી જુના રેવન્યુ સર્વે નંબર ૧૨૬/૧ એક તથા નવા સર્વે નંબર ૧૪૮ ની આશરે ૨૦ વિઘા જેટલી જમીન કે જે વર્ષો અગાઉ સંધી હજી ઉમર નામે ચાલતી હતી. ત્યારબાદ ૧૯૯૯માં નોંધ મારફતે ૧૪ વારસદારોના નામ આ જમીનમાંથી કમી થઈ ગયા હતા. વર્ષ ૨૦૦૮ના રેવન્યુ રેકોર્ડ પર કાયદાકીય કાર્યવાહી પછી આ જમીન ઇબ્રાહિમ સુમાર ગજણ તથા સારબાઈ સુમાર ગજણના નામે ચાલતી હતી. વર્ષ ૨૦૦૯માં વેચાણ દસ્તાવેજ મારફતે જંત્રી મુજબ ત્રણ લાખનો અવેજ ચૂકવીને આ જમીન ફરિયાદી સાલેમામદ કરીમ ભગાડ તથા તેમની સાથે રોશનબેન કાસમ ભોકલ અને અબુ કાસમભાઈ ભોકલ નામના ત્રણ આસામીઓ દ્વારા ખરીદ કરવામાં આવી હતી. જેની સરકારી ચોપડે પણ કાયદેસરની નોંધ કરાવવામાં આવી હતી. આ જગ્યામાં કૂવો ન હોવાથી તેમજ આ જમીન ભવિષ્યમાં તેઓ બિન ખેતી કરી અને ડેવલપ કરવાના હેતુથી લીધી હોવાથી તેમના દ્વારા ફક્ત ચોમાસામાં જ જુવારનું વાવેતર કરવામાં આવતું હતું. અગાઉ ચોક્કસ મંડળીમાંથી પાકધીરાણ તેમજ હાલ પણ એક્સિસ બેન્કમાંથી પાક ધિરાણ મેળવી અને ફક્ત ચોમાસામાં આ જમીન પર વાવેતર કરવામાં આવતું હતું. અન્ય સમયગાળામાં આ જગ્યા બાળકો રમત ગમતના મેદાન તરીકે ઉપયોગ કરતા હતા. આ સ્થળેથી પસાર થતા જમીનમાલિકોને આશરે ત્રણ વર્ષ પહેલાં અહીં ખાતરના ઢગલા તથા કચરાના ઢગલા પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તપાસ કરતા આ જમીન પર ઉપરોક્ત સાત આસામીઓ કે જે અગાઉના જમીન માલિકના કુટુંબી હતા, તેમના દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી, ખેતરમાં ઢગલા કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે તારીખ ૨૨/૦૨/૨૦૨૦ ના રોજ સલાયા મરીન પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. આટલું જ નહીં ફરિયાદી સાલેમામદભાઈ તથા તેમના ભત્રીજા સાથે કાસમભાઈ ભોકલ વિગેરે સમજાવવા જતા ઉપરોક્ત આસામીઓએ આ જગ્યા ખાલી કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. આટલું જ નહીં- “આ જગ્યા અમારા બાપદાદાની છે. કોર્ટમાં કેસમાં હતી ગયા. તેમ છતાં પણ તેઓ કબજાે નહીં છોડે અને કોઈને પણ પ્રવેશ કરવા નહીં દયે”- તેમ કહી, ધાક ધમકી આપી હતી. આમ, માલિકીની જમીનમાં મંજૂરી વગર પ્રવેશ કરી, મૂળ માલિકને પ્રવેશ કરવા ન દેવા તથા ખેડાણ કરવા નહીં દેતાં સાલેમામદ કરીમ ભગાડની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસ મથકમાં ઉપરોક્ત સાત શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉની ફરિયાદ અરજીમાં કુલ નવ દબાણકારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તે પૈકીના અલી હાજી અને સિદ્દીક હાજી નામના બે આસામીઓ મૃત્યુ પામતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા રાયટર શક્તિસિંહ જાડેજા દ્વારા ધોરણસર કાર્યવાહી કરી, આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


