સૌરાષ્ટ્રની અગ્રગણ્ય અને સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ નેટર્વક ધરાવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે તા. ૦૨/૦૧/૨૦૨૨ના રોજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બેડી બંદર રોડ શાખા જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામં આવેલ હતુ. આ શિબિરમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ હતુ જેને ગુરૂ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ બ્લડ બેંકને દાન કરવામાં આવેલ.
આ રકતદાન શિબિરમાં બેંકના ગ્રાહકોએ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ હતું. બેંકની જામનગર અને દ્વારકા જિલ્લાની શાખાઓના કર્મચારીઓએ તથા કર્મચારીઓના પરિજનો, બેંકના નિવૃત કર્મચારીઓ પણ તેઓના પરિજનો સાથે ઉત્સાહભેર માનવ સેવાના આ કાર્યમાં જોડાયેલ હતા.
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના અધ્યક્ષ શ્રી મનોજકુમાર કલમઠેકર આ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યાં હતા, અધ્યક્ષશ્રીએ તમામનો ઉત્સાહ વધારેલ હતો અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની માતૃ સંસ્થા એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના જામનગર ખાતેના વડા એવા એ.જી.એમ. શ્રી બળદેવ પટેલએ રક્તદાન કરી, શહેરની તમામ બેંકના કર્મચારીઓને પ્રેરીત કર્યા હતા.
આ શિબિરમાં સશસ્ત્ર સીમા બલ-જામનગર યુનીટના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી યશવંતકુમાર અને તેમના પ્રયત્નો થકી સશસ્ત્ર સીમા બલના જવાનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જામનગર રીજીયન ઓફિસ દ્વારા રીજીયોનલ મેનેજર શ્રી એ.સી.મહેતાની રાહબરી હેઠળ આયોજીત કરવામાં આવેલ હતો. આ તકે રીજીયોનલ મેનેજર શ્રી એ.સી.મહેતાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓનો, બેંકના કર્મચારીઓનો, તથા જી.જી.હોસ્પિટલ બ્લડ બેંક જામનગરનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ બેંક માનવ સેવાના આ પ્રકારના કાર્યમાં હંમેશા લોકો પડખે રહેશે તેવી ભાવના વ્યક્ત કરેલી હતી.
