સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા પછી ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે.
આ કાર્યક્રમ આગામી તા.૧૯/૦૧/૨૦૨૨ના બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ધ્રોલના સભાખંડમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માટે અરજદારે તાલુકા ફરિયાદ નિવારણના કાર્યક્રમના મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી ધ્રોલને ૧૦ દિવસમાં અરજી મોકલવાની રહેશે.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામપંચાયત, તલાટી-કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણીત રહેલ હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે, અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહિ, તેમ મામલતદાર ધ્રોલની યાદી દ્વારા જણાવી મામલતદારશ્રી દ્વારા ધ્રોલ તાલુકાના સમગ્ર નાગરિકને તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
