ગાંધીનગર
આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસાથેજ દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે. આ સાથે ગૃહ વિભાગ હેઠળ આવતા એસીબી દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેથી તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. આંધ્રપ્રદેશમાં અધિકારીના વતનમાં પણ સીબીઆઈની ટીમોને મોકલવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે કેટલાક સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચારના કૃત્યોમાં સામેલ હતા. અમે સૌરાષ્ટ્રમાં આઈએએસ અધિકારીના કાર્યકાળ દરમિયાન થયેલા જમીનોના સોદાઓની વિગતો તપાસીશું.’ સર્ચ ઓપરેશન અને તેના ખુલાસા અંગે સીબીઆઈ તરફથી આજે સત્તાવાર નિવેદન આવે તેવી શક્યતા છે.
