આગામી ખરીફ સિઝન માટે બિયારણની ખરીદી કરવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ કેવા પ્રકારની કાળજી રાખવી જોઇએ એ અંગે એક અખબારી યાદી જારી કરી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), છોટાઉદેપુરે માર્ગદર્શન આપ્યું છે.
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર ખરીફ ઋતુના વાવેતર માટે વિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પુરૂં નામ-સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગતો દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ છે કે કેમ? તેમજ તેની મુદ્દત પુરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઇ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણ દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સપેકટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વવાણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બિલ સાચવી રાખવું જરૂરી છે એમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), છોટાઉદેપુર તરફથી જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
