સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજે ૧૨ મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જયંતિ ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અર્થાત શ્રમ એ જ સાધના. આજના પરિપેક્ષમાં ખૂબ પ્રસ્તુત ગણાય. સફળતા મેળવવા માટે પ્રસ્વેદથી સ્નાન કરવું જ પડે એ સંદેશ સમગ્ર યુવા જગત માટે પ્રેરણા આપતો જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ ખાસકરીને યુવાનો પાસેથી ખાસ્સી અપેક્ષા રાખતાં. આપણાં દેશમાં પણ લગભગ ચાલીસ ટકા યુવાધનનો આ રાષ્ટ્ર નિર્માણમાં મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો આપણાં દેશને વિશ્ર્વગુરુ બનતાં કોઈ ન રોકી શકે એ પણ નિર્વિવાદ છે અને કદાચ એટલે જ આપણાં પ્રધાનમંત્રી પણ યુવા જગત પાસે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. આજનો યુવાન વ્હાઈટ કોલર જોબની અપેક્ષા રાખ્યા વગર પોતાનામાં રહેલાં શ્રમ કૌશલ્યને કેળવે તો દેશની પ્રગતિ બમણા વેગથી થઈ શકે. પોતાનું કાર્ય કરતી સમયે એટલા તલ્લીન થઈ જવું જોઈએ કે શ્રેષ્ઠતાનો એ પર્યાય સમયનાં બંધનને અવશ્ય તોડી નાખે. હા, હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે પંદરથી અઢાર વયનાં વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશન ઝૂંબેશ દરમિયાન અહીં સાવરકુંડલા શહેરમા કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી એક ગ્રાન્ટેડ એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં રીપોર્ટીંગ અર્થે જવાનું થયું. શાળાનાં છૂટવાનો સમય હતો વિદ્યાર્થીનીઓ તથા કર્મચારીઓ ગણ પણ શાળા સમાપ્તિ સમયની અણીએ એક તરુણી વેક્સિનેશન માટે અવઢવમાં હતી. ઈચ્છા તો તેને વેક્સિન લેવાની હતી પણ ખૂબ ડરતી હતી. શાળાનાં પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખર શાળા સમયનાં અનુબંધને એક તરફ મૂકી આ વિદાયાર્થીનીને રસીકરણ માટે ખૂબ સમજાવટથી કામ કરતાં જોવ મળેલ. અમુક કર્મચારીઓ કહેતાં હતાં કે રહેવા દો બહેન આપણે એને નહીં સમજાવી શકીએ અને આમ પણ શાળા સમય સમાપ્તિ છે. અને વળી કંઈક થશે તો એવું જોખમ ન લેવાય મેડમ આવું પણ કર્ણોપકર્ણ અન્ય કર્મચારીઓ પાસેથી સાંભળેલ એટલે લગભગ દરેકનો જીવ તો ઘરે જવા માટે ઉતાવળો થતો હોય. પરંતુ આ વર્ષાબેનને પૂર્ણ વિશ્ર્વાસ હતો અને સમયની પરવા કર્યા વગર પોતે એ વિદ્યાર્થીનીને સમજાવવા માટે અથાગ પ્રયત્નો કરતાં જોવા મળ્યા અને અંતે સફળ પણ થયાં એ દીકરીએ રસી પણ મૂકાવી અને તેનાં વદન પર પણ ખુશી છલકતી હતી. આમ કાર્યનિષ્ઠનું પરિણામ પણ હમેશાં સુખદ આવે છે. આ બાબત પણ આ સ્વામી વિવેકાનંદ જયંતિ પ્રસંગે પ્રસ્તુત ગણાય.પ્રસ્તુત તસવીરમાં એ મારા કેમેરામાં કેદ થયું. સૌ સારાં વાનાં થયાં.
કહેવાનો અર્થ આજે લગભગ વ્યક્તિ જવાબદારીથી દૂર ભાગે છે. પરંતુ રીસ્ક હૈ તો ઇશ્ક હૈ. સાહસ વિના સિધ્ધિ નથી મળતી એ પણ આ પ્રસંગે નોંધ લેવા જેવી છે. ધીરજ, ખંત, પુરૂષાર્થ અને પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ હોય તો સફળતા મળે જ છે એ વાત આજે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સર્વે કંઠસ્થ કરવી જોઈએ.
Attachments area

