તા.૧૦ ઓગસ્ટ – બહાઉદ્દીન સરકારી સાયન્સ અને વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ વિતરણ, સંકલ્પ પત્ર પઠન તથા પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત હર ઘર તિરંગા અંતર્ગત વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિતરિત કરાયેલ તિરંગાઓ વિદ્યાર્થીઓ પોતાના ઘર તથા દુકાન પર લગાડી કોલેજની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમો કોલેજના આચાર્યશ્રી ડો.પી. વી. બારસીયા અને ડો.રાજેશ પી ભટ્ટના માર્ગદર્શન તથા સ્ટાફના સહકારથી સુચારું રૂપે પૂર્ણ થયા છે.
નવાબી કાળમાં બનેલી બહાઉદ્દીન કોલેજ એ સૌરાષ્ટ્રના બીજા નંબરની ૧૯૦૧માં બનેલી કોલેજ છે, જેને હેરીટેઝમાં સ્થાન અપાયુ છે. નવાબના સેવાભાવી વજીર અને સાળા બહાઉદ્દીનભાઇનું નામ આ કોલેજને અપાયુ હતું. રૂ. બે લાખમાં બનેલી આ કોલેજનું ઉદઘાટન લોર્ડ કર્ઝને કર્યુ હતું. કોલેજના પ્રથમ આચાર્ય જેમ્સ કોટ હતા. ભારત દેશ આઝાદ થયું ત્યારે આરજી હકુમતના સંગ્રામ અને જૂનાગઢને ભારતમાં જોડવા અંગેનો જન મત – મહત્વનો નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ આ બહાઉદ્દીન કોલેજ ખાતે થયો હતો. આમ જૂનાગઢની આઝાદીનો દિવસ એ તા.૯ નવેમ્બર છે. આ કોલેજમાંથી અનેક કવિ, સાહિત્યકારો ભણીને દેશ સેવામાં લાગ્યા છે.આમ દેશના આઝાદી સમયના ઐતિહાસિક મહત્વ ધરાવતી બહાઉદીન કોલેજના વિધાર્થિઓએ આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા લહેરાવવાનો સંકલ્પ કર્યો હતો.


