ઉના – ઉના તાલુકાના કેસરીયા ગામના ૯૦ વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા શરૂ કરવા અને એક્ષપ્રેસ બસોને સ્ટોપ આપવા બાબતે ઉના એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક હોદેદારો અને જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, પુર્વ સરપંચ અરજણભાઇ શિંગડ સહીતના લોકો દ્રારા ઉના ડેપો મેનેજરને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
કેસરીયા ગામના 90 જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉના ખાતે જુદી જુદી શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે ઉના સુધી અપડાઉન કરતા હોય છે. આ વિધાર્થીઓને શાળાએ જવા માટે સવારના 7 વાગ્યે અને બપોરના એક વાગ્યે સમયસર એસટી બસ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ શાળાના સમયે પહોંચી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે. આગાઉ સવારે અને બપોરે કેસરીયા ખાતે વિદ્યાર્થીઓ માટે બસની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે બસને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને હાલ અપડાઉન માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ કાજરડી અને સોનારી ગામેથી એસ ટી બસ વિધાર્થીઓને લઈ આવતી બસમાં બેસવા માટેની જગ્યા ફુલ થઇ જતાં કેસરીયા ગામના વિદ્યાર્થીઓ આ બસમાં પણ બેસી શકતા નથી. અને કરેણી ગામેથી વિદ્યાર્થીઓને લઈને આવતી બસ કેસરીયા થી ઓવરબ્રિજ પરથી પસાર થઈ જાય છે. તેમજ લાંબા રૂટની એક્ષપ્રેસ બસો ઓવરબ્રિજ પરથી પસાર થતી હોવાથી કેસરીયા ગામનાં અને આજુબાજુના ૧૫ થી ૨૦ ગામનાં લોકોને ઓખા, પોરબંદર, દ્વારકા, ભાવનગર રાજકોટ જેવા શહેરોમાં પરિવહન માટે એક્ષપ્રેસ બસના સ્ટોપ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, પુર્વ સરપંચ અરજણભાઇ શિંગડ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિત આવેદનપત્ર પાઠવેલ હતું. અને આ બાબતે આવનારા દિવસોમાં યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


