સરકાર દ્રારા વર્ષ ૨૦૨૧ થી રસોયાની નિમણૂક થયેલ નથી, મદદનીશ બહેન દ્રારા રસોય બનાવામાં આવે છે.
ઊના – ઊના તાલુકાના નાના એવા કાળાપાણ ગામની જર્જરીત શાળામાં ધો.૧ થી ૮ ના ૫૬૬ છાત્રો બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના કુલ ૧૮ રૂમો માંથી ૬ રૂમો જર્જરીત હોવાથી તોડી પાડવામાં આવેલ છે. તેથી હાલ શાળાનો અભ્યાસ રૂમ બે પાળીમાં ચાલી રહ્યો છે. પરંતુ આ પ્રા.શાળામાં છાત્રો માટે મધ્યાહન ભોજન માટેની સુવિધાનો સદંતર અભાવ હોય દિવ્યભાસ્કરની ટીમ દ્રારા કાળાપાણ પ્રા.શાળાની મુલાકાત લેતા પ્રા.શાળામાં મધ્યાહન ભોજનના વરવા દ્રશ્યો સામે આવ્યા. સરકાર દ્રારા શિક્ષણક્ષેત્રે મસમોટી વાતો થાય છે. પરંતુ સીક્કાની બીજીબાજુ તદન વિપરીત જોવા મળી રહી હોય તેમ શાળાના ૪૦૦થી વધુ છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહન ભોજન લેતા હોવાના દ્રશ્યો જોવા મળતા હતા. અને ભોજન લીધા બાદ ડિશો પ૦ણ છાત્રો દ્રારા સાફ કરાતી હોવાનું જોવા મળેલ હતું.
કાળાપાણ પ્રા.શાળામાં હાલ ૫૬૬ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કુલ ૧૮ રૂમો હતા જેમાંથી ૬ રૂમો સાવ જર્જરીત થઇ ગયેલ હોવાથી ડિમોલેશન કરી તા.૧ ઓગ.૨૦૧૯ના તોડી પાડવામાં આવેલ અને સરકાર દ્રારા જે તોડી પાડવામાં આવેલ ૬ રૂમોનું પેકેજ તૈયાર થઇ ગયેલ છે. અને વારંવાર એન્જીનીયર દ્રારા શાળાની વિઝીટ પણ કરી ગયેલ હોવા છતાં ૨૦ મહીના વિતવા છતાં પણ નવા છ રૂમો બન્યા નથી. તે સીવાય વર્તમાન જે ૧૨ રૂમો કાર્યરત છે તે પણ જર્જરીત છે તેમની રીપેરીંગ માટે ગ્રાન્ટની માંગણી મૂકેલ પણ હજુ સુધી રીપેરીંગ માટેની પણ ગ્રાન્ટ આવેલ ન હોવાનું શાળાના આચાર્ય એ જણાવેલ હતુ. ત્યારે મધ્યાહન ભોજનની હાલત તો દયનિય હોય તે સ્વાભાવિક છે પ્રા.શાળાના ૫૬૬ છાત્રો માંથી રોજનો ૪૦૦ થી વધુ છાત્રો મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય અને બાળકો માટે મધ્યાહન ભોજન માટેનો જે શેડ બનાવામાં આવ્યો છે તે ૧૦*૧૨ નો એટલે કે એક ઓરડી જેવો બનાવામાં આવ્યો છે. જેમાં ૫૦ થી છાત્રો બેસી ન શકે ત્યાં ૪૦૦ છાત્રો કેવી રીતે બેસી શકે તેમાંય વાવાઝોડા દરમ્યાન શેડનું એક તરફનું પતરૂ પણ ઉડી ગયેલ હોવાથી શેડ પણ નુકશાન ગ્રસ્ત થઇ ગયેલ છે. ત્યારે હાલ ૪૦૦ જેટલા છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહન ભોજન લેવા મજબૂર બન્યા છે. જ્યારે ઘણા છાત્રો કલાસરૂમમાં બેસીને ભોજન કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે શાળાના મેદાનમાં પણ કચરો જોવા મળતા હોય બાળકો કચરાના અને ધૂળના ઢગલા પર બેસી ભોજન લેતા હોવાના રૂશ્યો જોવા મળતા હતા. આ અંગે શાળાના આચાર્યએ જણાવેલ હતુ કે અમારી પાસે કોઇ વ્યવસ્થા નથી બાળકોને બેસાડવાની તો પણ અમે કલાસરૂમમાં બાળકોને બેસાડીએ છીએ આમ હાલ બાળકો તડકામાં ભોજન લઇ રહ્યા છે. ત્યારે જોવાની વાત એ છેકે કાળાપાણ પ્રા.શાળામાં વર્ષ ૨૦૨૧માં રસોયાબેન નિવૃત થઇ ગયા બાદ આજદિન સુધી તંત્ર દ્રારા નવા રસોયાની નિમણૂક કરવામાં આવેલ ન હોય મદદનિસો દ્રારા રસોય બનાવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે ગ્રામજનો માંથી એવી માંગણી ઉઠવા પામેલ છે કે ભણવાના રૂમો તો જ્યારે બને ત્યારે પણ મધ્યાહન ભોજનનો શેડ બાળકોની સંખ્યા પ્રમાણે બનાવી આપે તો પણ ઘણુ છે.
બોક્ષ્ –ભોજન લીધા બાદ બાળકો ડીશો સાફ કરતા જોવા મળ્યા…
એક તરફ બળબળતા તડકામાં છાત્રો ભોજન લીધા બાદ ભોજનની થાળી બાળકોજ સાફ કરતા હોવાનું જોવા મળતા આચાર્યએ જણાવેલ હતુ કે આજે હેલ્પર રજા પર હોવાથી બાળકો દ્રારા ડીશ સાફ કરવામાં આવી રહી છે. જ્યારે બાળકો માંથી જાણવા મળેલ કે ભોજન કર્યા બાદ અમેજ ડીશો રોજ સાફ કરીએ છીએ…
બોક્ષ્ – ધોરણ ૮ માં બે શિક્ષકોની કાયમી ઘટ…
બીજી તરફ ધોરણ ૮ માં બે શિક્ષકો જેમાં ભાષાના શિક્ષક અને બીજી ગણિત- વિજ્ઞાનના શિક્ષકની ઘટ હોવાથી વિદ્યાર્થીના ભણતર પર પણ અસર થતી હોવાનું વાલીગણ માંથી જાણવા મળેલ હતું..


