રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ કારણોસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા કુલપતિ સામે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો મોરચો માંડ્યો છે. જાે નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જાેખમમાં મુકાઈ તેમ છે. જેથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા શરુ કરી દીધા છે. આજ રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉગ્ર રજુઆત કરી રજિસ્ટ્રાર ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આગામી ૨૩મે ૨૦૨૨ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની સેનેટ ની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે ટર્મ પુરી થતા ૫૦ દિવસ પહેલા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું ફરજીયાત રહેતું હોય છે જાે કે મતદાર યાદી કે ચૂંટણી અંગે જાહેરનામું હજુ સુધી પ્રસિદ્ધ ન થતા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ સાથે મળી કરી હતી. આ સાથે રજિસ્ટ્રર ચેમ્બર ખાતે એનએસયુઆઈના કાર્યકર્તા અને આગેવાનો એ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. ૨૩ મેં ના સેનેટ ટર્મ પૂર્ણ થઇ રહી છે આમ છતાં માર્ચ મહિનો પૂરો થવા ઉપર છે તો પણ ચૂંટણી અંગે જાહેરનામું કે મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી નથી. યુનિવર્સીટીના ઇતિહાસમાં આજદિવસ સુધી આવી ઘટના બની નથી. આમ છતાં શા કારણે વિલંબ કરવામાં આવી રહ્યું છે તે સમજી શકાતું નથી જાે હજુ સમયસર પ્રસિધ્ધ કરવામાં નહિ આવે તો સ્ટેચ્યુટ નો ભંગ થશે અને ભંગ ન થાય તેની કાળજી યુનિવર્સીટીના સત્તાધીશોએ રાખવી જાેઈએ.. યુનિવર્સિટીમાં ચૂંટણી લડી શકાય તેવી ૪૩ સીટ છે. જેમાંથી ૫ વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાગબટાઈથી ૩૭ સીટ ભાજપે રાખી તો ૮ કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે આ વર્ષે પાટીલની નો રિપીટ થીયરીના ખતરાનો પણ ભય ભાજપના સભ્યોને લાગી રહ્યો છે.


