જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા ૩૦૦થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત ૪૯૧૮ હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડી શકાશે.
ઓઝત-૨ ડેમના નિરીક્ષણ માટે પહોંચેલા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એચ.કે. ઉકાણીએ જણાવ્યું કે, હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના સાત દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ૨૫ રેડીયલ ગેઇટ ધરાવતા આ ડેમમાંથી પ્રતિ સેકન્ડ ૧૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે પાણીની આવક ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
શ્રી ઉકાણીએ જણાવ્યું કે, આ બહુહેતુક યોજના દ્વારા ૨૨ ગામના ખેડૂતોને નહેર દ્વારા પિયત માટે પાણી આપવામાં આવે છે. જિલ્લાના ૩૦૦ જેટલા ગામોને આ યોજનામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ડેમમાંથી માછીમારી માટે પણ ઈજારો આપવામાં આવે છે. આ સાથે શ્રી ઉકાણીએ ઓજત-૨ ડેમ પૂર્ણ ૧૦૦ ટકા ભરાઈ જવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો
બે દિવસ પહેલા કલેકટર શ્રી રચિત રાજે પણ ઓજત-૨ ડેમની મુલાકાત લઈ, પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઓઝત – ૨ ડેમની ૩૬.૨૦ મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતા ધરાવે છે. આ ડેમનો ૩૮૦ મીટર લાંબો બંધ અને ૬ કિ.મી.નો માટી પાળો છે.


