દાહોદ
દેશ સહિત ગુજરાતમાં અકસ્માતે મોતનો આંક દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે દાહોદ તાલુકાના ખરોડ ગામે દાહોદ ઝાલોદ હાઇવે ઉપર રીક્ષા ચાલકે બાઇક ચાલકને અડફેટેમાં લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ચાલક રીક્ષા ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે દાહોદ તાલુકા પોલીસે રીક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દાહોદમાં રહેતા અજીજભાઇ શબ્બીરભાઇ મલેક ગતરોજ ૧૨ વાગ્યાના અરસામાં તેની જીજે-૨૦-એકે-૭૪૫૦ નંબરની બાઇક લઇને ખરોડ ગામે દાહોદ ઝાલોદ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન જીજે-૬-બીયુ-૧૭૭૮ નંબરની રીક્ષા ચાલકે પોતાના તાબાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજીજભાઇ મલેકની બાઇકને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ચાલક રીક્ષા ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. અકસ્માતમાં અજીજભાઇ શબ્બીરભાઇ મલેકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત પગલે મૃતકના બનેવી કુતબી કલીમુદ્દીન લીમડીવાલાએ રીક્ષા ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


