Gujarat

છોટાઉદેપુર નગરના કેટલાક વિસ્તાર નો વેન્ડર ઝોન જાહેર કરાયા 

છોટાઉદેપુર નગરમાં આવેલા કુસુમ સાગર તળાવ ફરતે આવેલ ચારે બાજુની ફુટપાથ, એસ.એફ. હાઈસ્કુલ થી જુની નગરપાલિકા ઓફિસ સુધીના રોડની બન્ને બાજુનો વિસ્તાર, ફાયર સ્ટેશન થી એસ.બી.આઈ બેંક સુધીના ક્લબ રોડની બન્ને બાજુનો વિસ્તાર, સરદાર ગાર્ડન થી માણેક ચોક રોડની બન્ને બાજુનો વિસ્તાર (ગૌરવ પથ)માં રસ્તાઓની બંને બાજુ લારી ગલ્લાવાળા, તંબુ પથારાવાળા, તથા શાકભાજી, મસાલાવાળા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે મુખ્ય માર્ગ ઉપર કાચા પાકા દબાણો કરી ધંધો કરવામાં આવે છે. નગરના જાહેર રસ્તાઓ ઉપર લારી-ગલ્લા તેમજ તંબુ પથારાવાળા, મસાલાવાળા અને શાકભાજીવાળા ઇસમોને નગરપાલિકા દ્વારા પોલીસ સાથે રાખી દબાણો દુર કરવામાં આવેલ છે અને આ ધંધો કરતા ઇસમોને નગરપાલિકા દ્વારા નગરપાલિકા શોપિંગ સેન્ટરની પાછળ આવેલા શાકભાજી માર્કેટમાં વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવેલ છે.
નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર રસ્તાઓ ઉપર કરવામાં આવેલા કાચા પાકા દબાણદારો વારંવાર મુખ્ય માર્ગો ઉપર આવી ધંધો કરતા હોઇ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે વારંવાર સંધર્ષના બનાવો બનતા હોવાથી તેમજ ટ્રાફિકની સમસ્યા, ગંદકી તેમજ ગંભીર અકસ્માતોને નિવારવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે કુસુમ સાગર તળાવ ફરતે આવેલ ચારે બાજુની ફુટપાથ, એસ.એફ. હાઈસ્કુલ થી જુની નગરપાલિકા ઓફિસ સુધીના રોડની બન્ને બાજુનો વિસ્તાર, ફાયર સ્ટેશનથી એસ.બી.આઈ બેંક સુધીના ક્લબ રોડની બન્ને બાજુનો વિસ્તાર, સરદાર ગાર્ડનથી માણેક ચોક રોડની બન્ને બાજુનો વિસ્તાર (ગૌરવ પથ) વિસ્તારને નો વેન્ડર ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડી આ વિસ્તારને નો વેન્ડર ઝોન જાહેર કર્યા છે. તેમજ આ પ્રકારનો ધંધો કરતા ઇસમોને નગરપાલિકા દ્વારા નગરપાલિકા શોપીંગ સેન્ટરની પાછળ આવેલા શાક માર્કેટમાં વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવેલ છે તે વિસ્તારમાં જ ધંધો કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.
આ હુકમ તા. ૧૯/૦૯/૨૦૨૨ થી તા.૧૮/૧૦/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *