વિષ્ણુયાગ-ગૌપુષ્ટીયાગ, છપ્પનભોગ, મહાપ્રભુજીનો ઉત્સવ સહિતના પ્રસંગો ઉજવાશે : દેશભરમાંથી એક લાખ ભાવિકો લાભ લેશે.
ઉત્સવનો પહેલો દિવસ મોટી સનમ મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી
જેતપુરમાં જ્ઞાન-કર્મ-ભક્તિના સમન્વયરુપ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સાત દિવસ ચાલનારા આ યજ્ઞનો ભારતભરમાંથી 1 લાખ શ્રધ્ધાળુઓ લાભ લેશે. જેમાં વિષ્ણુયાગ, ગૌ પુષ્ટીયાગ, છપ્પનભોગ, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ જેવા પ્રસંગો ઉજવાશે. સમગ્ર કાર્યક્રમને વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજના સાનીધ્યમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નિત્ય અગ્નિહોત્રી વાજપેયી રઘુનાથજી મહારાજ તથા જાનકીવહુજી, ગીરધરબાવા, ગોવિંદબાવાના સાનિધ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય સોમ વિષ્ણુ ગોપાલ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજે જણાવેલ કે આવો યજ્ઞ અગ્નિહોત્રી દ્વારા દીક્ષા મેળવેલ હોયતે જ કરી શકે છે. વેદો અને પુરાણોમાં જ્યાં ક્યા પણ યજ્ઞ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં સોમયજ્ઞનો જ સંદર્ભ છે. સોમયજ્ઞમાં સોમ નામની વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે જેને સોમવલ્લી પણ કહેવામાં આવે છે. આ યજ્ઞ સર્વપ્રથમ દેવતાઓએ કરેલ બાદ ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણએ કરેલ હોવાનો ઉલ્લેખ છે. આવો યજ્ઞ વિશ્વ કલ્યાણ અને જનકલ્યાણ માટે કરવામાં આવે છે શહેરના લોકોનું કલ્યાણ થાય તેમજ વાતાવરણનું શુધ્ધિકરણ થાય જેથી ખેડૂતોને લાભ થાય તેવા શુભાશયથી કરવામાં આવનાર છે.
આ યજ્ઞમાં ગુજરાતભરમાંથી વલ્લભકુળ આચાર્યો, સંતો મહંતો શહેરના અગ્રણીઓ, શ્રેર્ષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. જયપાર્ક નકલંક આશ્રમ રોડ ખાતે યોજાનારા આ યજ્ઞનો પ્રારંભ ભવ્ય થતાં સ્ટેન્ડ ચોકથી પ્રારંભ થઇ ચૂક્યો મુખ્ય માર્ગો પર ફરી યજ્ઞ સ્થળે પહોંચી હતી. આજે એટલેકે ગુરુવારનાં રોજ ભીતરીયાઓ દ્વારા સિધ્ધ કરાયેલ સામગ્રીનો છપ્પન ભોગ ઠાકોરજીને ધરાવાશે જે વૈષ્ણવો માટે સાંજે 5 કલાકે દર્શન માટે ખુલ્લો મુકાશે.
તારીખ 20 થી યજ્ઞનો પ્રારંભ થતા સવારે 8 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગ તથા ગૌ પુષ્ટીયાગનો પ્રારંભ કરાયો હતો દરરોજ રાત્રિનાં 9 થી 10 કલાકે જાનકીવહુજીના વચનામૃત થશે જેમાં કૃષ્ણ યજુર્વેદ પારાયણ, શ્રીમદ્ ભાગવત દશમ સ્કંદનું રસપાન કરાવવામાં આવશે. તા. 23 થી 25 સવારે 11-30 કલાકેથી પ્રવર્ગ્ય 25 ફુટની અગ્નિ શીખાના દર્શન, ભીક્ષા, અક્ષત વર્ષા કરાશે. તા.26 મંગળવારે શ્રી મહાપ્રભુજીનાં ઉત્સવ અંતર્ગત સવારે 10 કલાકે સુત્યાહ સોમરસ પાન, બપોરે 2 કલાકે સોમરસ હોમ થશે. તા. 27નાં સવારે 11 કલાકેથી અભિમંત્રીત કરેલા જલથી અવભૃય સ્નાન, રાત્રિનાં 12:30 કલાકે શ્રીફળ હોમથી યજ્ઞની પુર્ણાહુતિ થશે. આ યજ્ઞનો અંદાજીત 1 લાખ શ્રધ્ધાળુઓ ભારતભરમાંથી લાભ લેશે.
હરેશ ભાલીયા જેતપુર


