Gujarat

જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયાના બે યુવાનો પાસેથી સવા લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ઘણા યુવાનો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે. મયુર સોસાયટી, એરપોર્ટ પાસે, જામનગર) પોતે વિદેશ મોકલવાનો એજન્ટ હોવાની ઓળખ આપી હતી. તેણે ખંભાળિયાના ૩૫ વર્ષીય ગજેન્દ્ર ખીમનાથ નામના યુવાનને ઇઝરાયેલમાં કામ અપાવવાની લાલચ આપીને તેની પાસેથી ૯૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા.

આ રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ ગજેન્દ્રના મિત્ર પ્રવીણભાઈ મકવાણા (રહે. ખંભાળિયા) એ પણ વિદેશ જવા માટે ૨૯,૫૦૦ રૂપિયા રાજેન્દ્ર રાજગોરને આપ્યા હતા. આમ, બંને યુવાનો પાસેથી કુલ ૧,૨૪,૫૦૦ રૂપિયા મેળવી લીધા બાદ એજન્ટ રાજેન્દ્ર રાજગોર પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

ગત જાન્યુઆરી માસમાં આ રકમ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીનો સંપર્ક ન થતાં બંને યુવાનોએ જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસમાં અરજી કરી હતી. જોકે, આ અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં તેમને ન્યાય મળ્યો નહોતો.

આખરે, આ મામલો રાજકોટના આઈજીપી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોતાની ફરિયાદ અંગે રજૂઆત કરતાં તાત્કાલિક અસરથી ગુનો નોંધવાના આદેશો થયા હતા. ગઈકાલે ગજેન્દ્ર ખીમનાથ બાવાજીની ફરિયાદના આધારે રાજેન્દ્ર રાજગોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.