Gujarat

જેતપુરમાં કોર્ટના આદેશને અવગણીને બેરોકટોક ચાલતા અનેક બાંધકામો  !!

પેટા
નગરપાલિકાના સત્તાધીશો ભૂમાફિયાઓ સાથે મોટા પ્રમાણમાં આર્થિક હિત સાધતા હોવાના આક્ષેપો
પેટા
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ જેવી નગરપાલિકાના મોટાભાગના સભ્યોની નીતિ
પેટા
ઠેકઠેકાણે ચાલતા જીરાફ જેવડા બાંધકામો પાછળ પાલિકા સૂત્રોની મધ જેવી મીઠી નજર
જેતપુર શહેરમાં જમીનના સોદા કરવા અને સરકારી નિયમોને અવગણીને ગમે ત્યાં મસમોટા જિરાફ જેવડા કોમર્શિયલ બાંધકામ ચાલુ કરવાની જાણે હોડ લાગી હોય તેવો તાલ સર્જાયો છે. જમીન માફિયાઓ કોઈપણ નિયમોને અવગણીને બાંધકામો કરતા હોવાનું અત્યાર સુધી સર્વેએ સાંભળ્યું છે. હવે અમુક માથાભારે જમીન માફિયાઓએ કોર્ટના આદેશને પણ અવગણવાનું ચાલુ કર્યું હોય બુદ્ધિજીવી લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.
જાણકારો કહે છે કે જેતપુર શહેરમાં હાલના દિવસોમાં અનેક જગ્યાએ નાના-મોટા કોર્મશિયલ બાંધકામો ધમધમી રહ્યા છે. નગરપાલિકાના લાગતા વળગતા સત્તાધીશો કુલડીમાં ગોળ ભાંગીને આવા જમીન માફિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.
 અમુક જગ્યાએ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરીને નગરપાલિકાના સત્તાધીશો બાંધકામ કરનાર આસામીઓને નોટિસો પાઠવી છે. પરંતુ પાછળથી બંધ બારણે આવા બાંધકામ કરનારાઓને બોલાવીને મોટા પાયે આર્થિક હિત સાધી લેવાય છે.
તાજેતરની  ઘટનાની વાત કરીએ તો જેતપુર શહેરના એમ.જી રોડ ઉપર આવેલ બગીચા સામેની ગલીમાં એક મસમોટું કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યું છે. આ બાંધકામના આસામીને કોર્ટ એવી સૂચના આપી હતી કે હાલનું બાંધકામ પાડીને તે જગ્યાએ નવું બાંધકામ કરો તેમજ નિયત જગ્યા સિવાય જો જરા પણ જગ્યામાં દબાણ કર્યું તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
આ વાતને ખુદ બાંધકામ કરનારા આસામીએ પણ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું. પરંતુ પૈસાના જોરે આ બાંધકામ કરનારા આસામીએ પોતાનું બાંધકામ બેરોકટોક ચાલુ રાખીને  કોર્ટના આદેશનો રીતસરનો ઉલાળિયો  કર્યો છે. ત્યારે જાણકારો કહે છે કે નગરપાલિકાના હુકમને છાશવારે અવગણતા જમીન માફિયાઓ હવે જેતપુરમાં કોર્ટના આદેશને પણ ઘોળીને પી જાય છે. તે કેટલી હદે વ્યાજબી કહેવાય. તે લાગતા વળગતા સત્તાધીશોને તપાસવાની જરૂર છે.
જાણકારો કહે છે કે જેતપુર નવાગઢ નગરપાલિકામાં સત્તારૂઢ  બોડીના સભ્યો શહેરમાં ગમે તે જગ્યાએ ગમે તે આસામીને ગમે તેવું મોટું કોમર્શિયલ બાંધકામ કરવાની છૂટ આપી દઈને મોટા પ્રમાણમાં આર્થિક હિત સાધી લેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આમ છતાં નગરપાલિકાના પ્રાદેશિક નિયામક કે અન્ય સત્તાધીશો દ્વારા ક્યારેય જેતપુરમ તપાસ થતી નથી પરિણામે શહેરમાં ભૂમાફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે.
બોક્સ :
કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ જેવો મામલો
જેતપુર : સ્વાયત સંસ્થા નગરપાલિકાના નિયમોને નેવે ચડાવીને બાંધકામ કરતાં  ભૂમાફિયાઓ હવે કોર્ટના આદેશને પણ અવગણતા નથી અને પોતાનું ધાર્યું જ કરતા હોવાનું જેતપુરમાં સાબિત થઇ રહ્યું છે. ત્યારે શહેરના એમજી રોડ ઉપર આવેલ બગીચા સામેની ગલીમાં ચાલતા કોમર્શિયલ બાંધકામ આસામીએ કોર્ટના હુકમને ઠેબે ચડાવી ને પોતાનું બાંધકામ ચાલુ રાખ્યું હોય હવે તેમની સામે કેવા પગલાં ભરાશે તે સમય જ બતાવશે..
હરેશ ભાલીયા જેતપુર

IMG_20220514_113022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *