બનાસકાંઠા
લારીયા ઇન્ડિયા રિસોર્ટની મેમ્બરશીપ તથા મેમ્બરોને અલગ-અલગ ટુર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનારા ગેંગના દિલ્હી તથા ગુજરાત મળી કુલ છ ઈસમોની પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. લારીયા ઇન્ડીયા રિસોર્ટના નામથી હોટલ કેપલ પાલનપુર ખાતે ફેમિલી ડિનર માટે અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કરી અલગ-અલગ કોડ નંબર આપ્યા હતા. જેથી બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા માણસો ઉક્ત ફેમિલી ડિનર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. ઉક્ત કંપની વતી રાજદીપ ગોહિલ, નિશાંત, જય, ગોપાલ તેમજ પોપટ નામના ઈસમોએ ફેમિલી ડિનર માટે આવેલા વ્યક્તિઓને લોભામણી લાલચ આપી ૧૦ વર્ષની મુદતની કંપનીની મેમ્બશીપ ઉપલબ્ધ કરાવવા તથા તેના પેટે રૂ. ૧.૨૦ લાખ ભરવાનું પ્રલોભન આપતા ફરિયાદી અશોકકુમાર શ્રીમાળી પાલનપુર વાળાની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ઉક્ત લારીસા ઇન્ડિયા રિસોર્ટના સંચાલનકર્તા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પાલનપુર તાલુકા પોલીસે ટેકનીકલ સોર્સ વડે ઉક્ત કામે સંડોવાયેલા લારીયા ઇન્ડિયા રિસોર્ટ ગ્રુપ બાબતે માહિતી મેળવી દિલ્હી સુધી તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. ઉકત કામે સંડોવાયેલા ૧ મનીન્દરકૌર નરેન્દ્રસિંહ ભોગલ રહે. હરિયાણા, નરેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ભોગલ રહે હરિયાણા, જય ગોરેશભાઈ રાઠોડ રહે ઘોઘા સર્કલ ભાવનગર, રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલ રહે આનંદ નગર ભાવનગર, નિશાંત અશોકભાઈ શ્રીવાસ્તવ રહે કિશન કુંજ નવી દિલ્હી, કવિતા રામ લખન કોલી રહે ત્રિકમ પુરી ઇસ્ટ દિલ્લી હાલ ગાજીયાબાદ ઉત્તરપ્રદેશમાં રહેનારની ધરપકડ કરી તેમના પાસેથી આ કામની છેતરપિંડીમાં ગયેલા રોકડ રકમ ૧ લાખ ૨૦ હજારની રિકવરી કરવામાં આવી છે. મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ દેવેસિંહ ભોગલ તેમની પત્ની મનીન્દરકોર તેમજ કવિતા રામ લખન કોલી દ્વારા ઉકત લારીયા ઇન્ડિયા રિસોર્ટ નામની કંપની ઊભી કરી લોકોને લોભામણી લાલચ આપી ૧૦ વર્ષની મુદતની કંપનીની મેમ્બરશીપ ઉપલબ્ધ કરાવવા તેના પેટે ૧ લાખ ૨૦ હજાર ભરવાનું પ્રલોભન આપ્યું હતું. ગુજરાતના વિવિધ શહેરોમાં ફેમિલી ડિનરના નામે લંચ પ્રોગ્રામ રાખી લોકો પાસેથી ૧ લાખ ૨૦ હજાર મેળવી લઈ ફોન બંધ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ રીતે છેતરપિંડી આચરવામાં માટે ગોપાલ પોપટ તેમજ જય ગોરેશભાઈ રાઠોડ તેમજ રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલની મદદ મેળવી ગુનો આચર્યો હોવાની વિગત પોલીસ તપાસ દરમિયાન જણાય આવી છે. આ કામે આરોપીઓએ ગુના સિવાય અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી હોવા સંબંધે આરોપીઓની પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.


