Gujarat

પીએમ કેર્સ ફંડને આરટીઆઇ હેઠળ લાવવાની પણ માંગ ઊભી થઈ છે

અમદાવાદ
પીએમ કેર્સ ફંડથી કરવામાં આવેલા ખર્ચનો ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ૨૭ માર્ચ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ની વચ્ચે ૧૦,૯૯૦ કરોડ રૂપિયા ડોનેશન રૂપે મળ્યા હતા. જેમાંથી માત્ર ૩૬ ટકા રકમ જ સરકાર દ્વારા ખર્ચ કરાઈ છે જ્યારે ૬૪ ટકા રકમનો કોઈ ઉપયોગ જ નથી થયો. નોંધનીય છે કે, પીએમ કેર્સ ફંડને ૪૯૫ કરોડનું વિદેશી ડોનેશન પણ પ્રાપ્ત થયું છે. દુનિયાભરમાં વસેલા ભારતીય નાગરિકો કોરોના સામે લડવા માટે ભારતને સહાયતા આપી હતી. પીએમ કેર્સ ફંડની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૨૦માં થઈ અને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીના ૫ દિવસના ગાળામાં જ ૩૦૭૭ કરોડ રૂપિયાનું ડોનેશન મળી ગયું હતું, પણ તે નાણાકીય વર્ષમાં તેનો ખર્ચ થઈ શક્યો નહોતો. ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં વધુ ૭૬૭૯ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, આ એ સમય હતો જ્યારે કોરોના મહામારી પિક પર હતી. આ ઉપરાંત ૨૩૫ કરોડનું આગલા વર્ષનું વ્યાજ પણ પ્રાપ્ત થયું હતું. પીએમ કેર્સ ફંડની જાહેરાત થયા બાદથી જ તેની પર વિપક્ષી પાર્ટીઓ દ્વારા આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને ફંડના સંચાલનમાં પારદર્શિતાની માંગ કરી હતી. કોંગ્રેસે તેને લઈને અનેક પ્રકારની ટીકા પણ કરી હતી. રાહુલ ગાંધીએ ફંડની પ્રકૃત્તિને સ્પષ્ટ કરવાની માંગ કરી છે. પીએમ કેર્સ ફંડને આરટીઆઇ હેઠળ લાવવાની પણ માંગ ઊભી થઈ છે.પીએમ કેર્સ ફંડના પ્રારંભથી લઈ ૩૭૦ દિવસમાં કુલ ૧૦,૯૯૦ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું જેમાંથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં માત્ર ૩૯૭૬ કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના ૭,૦૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ જ નથી કરાયો. દેશને કોરોના મહામારી જેવા ગંભીર સંકટથી બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ ૨૦૨૦માં પીએમ કેર્સ ફંડની સ્થાપના કરવામાં આવી હતી, જેનાથી મુશ્કેલ સમયમાં દેશના લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.

PM-Cares.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *