સુરેન્દ્રનગર
મુખ્યમંત્રીના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે ૧૩૪ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શ્રી સુરજમલજી હાઇસ્કુલ, પાટડી ખાતેથી મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ૪ સબ સ્ટેશનો સહિત રાજ્યનાં ૧૩ જેટલા ૬૬ કેવી સબસ્ટેશનો અને સમી પેટા વિભાગીય કચેરી (યુજીવીસીએલ)નું લોકાર્પણ કર્યુ હતું. આ સાથે મહેસાણા જિલ્લાનાં બે સબ સ્ટેશનોનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. જ્યા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટૂંકો રોડ શો પણ કર્યો હતો. આ ઉપરાંત પાટડી ખાતે સુરજમલજી હાઈસ્કુલનાં રૂ.૩.૬૪ કરોડનાં ખર્ચે નિર્મિત થયેલા નવા સ્કૂલ બિલ્ડીંગને પણ મુખ્યમંત્રીએ લોકાર્પિત કરશે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી પાટડી ખાતે મહાત્મા ગાંધી બાપુ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, નાણા અને ઉર્જામંત્રી કનુ દેસાઇ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિવિધ લોકાર્પણના કાર્યો માટે પાટડી આવ્યાં હતા. કાર્યક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી પાટડી ખાતે સોલ્ટ સેસ યોજના અંતર્ગત સહાયથી તૈયાર થયેલી સુરજમલજી હાઇસ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં રણકાંઠા વિસ્તારમાં પાટડીની નજીકમાં આવેલા ખારાઘોડા સ્થળ વિશ્વભરમાં મીઠાનાં ઉત્પાદન માટે જાણીતુ છે. જે સમગ્ર દેશમાં લગભગ ૩૫ ટકા જેટલું ઉત્તમ પ્રકારની ગુણવત્તાવાળુ મીઠું પકવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ, પાટડી ખાતે કુલ ૧૦૬૩ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. સોલ્ટ સેસ યોજના અંતર્ગત સંયુક્ત ઉદ્યોગ કમિશનર (સોલ્ટ/ટેક્સ) દ્વારા ફાળવાયેલા રૂ.૩.૬૪ કરોડની સહાયથી સ્કૂલનાં નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત થયેલા આ મકાનમાં ૩૪ વર્ગખંડો, સ્ટાફરૂમ, પ્રાર્થના ખંડ, ઓફિસરૂમ, પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, લેંગ્વેજ લેબોરેટરી, આરઓ પ્લાન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ શાળામાં પાટડી આસપાસનાં ખારાઘોડા, હિંમતપુરા, નારણપુરા, મીઠાઘોડા અને ઓડુ એમ પાંચ ગામનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ઉચ્ચશિક્ષણની સુવિધા મેળવે છે. મુખ્યમંત્રીની પાટડી મુલાકાતને લઈ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો અને વહિવટી તંત્રના સહયોગથી પાટડીના વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં, મંદિરોમાં, મોક્ષ ધામ વગેરે જગ્યાએ વડ, પીપળ, લીંબડો, ગુલમહોર, સરગવો, કણજી અને લીંબડી સહિતનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ ૭૫૦૦ રોપાઓનું પાટડી નગરપાલિકાને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રોત્સાહનનાં ભાગરૂપે જે સોસાયટી ૨૦૦ રોપાઓને દત્તક લઈને તેમનો ઉછેર કરશે એને પાલિકા દ્વારા મફત નળ કનેકશનની સુવિધા આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતેથી જિલ્લાનાં ૦૪ સહિત રાજ્યનાં ૧૩ જેટલા ૬૬ કેવી સબસ્ટેશનો અને સમી પેટા વિભાગીય કચેરી (યુજીવીસીએલ) લોકાર્પણ કર્યુ છે. સાયલા તાલુકાનું ઢીંકવાડી, ચોટીલા તાલુકાનાં ધોરાપીપરીયા, ધ્રાંગધ્રા તાલુકાનું કંટાવાવ અને દશાડા તાલુકાનું માલવણ સબસ્ટેશન લોકાર્પિત થવાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નવા કાયાર્ન્વિત થયેલા સબસ્ટેશનોની સંખ્યા ૧૯ અને જિલ્લામાં કાર્યરત કુલ સબસ્ટેશનોની સંખ્યા ૯૩ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૦૨માં સબસ્ટેશનોની સંખ્યા ૨૬ હતી. વર્ષ ૨૦૦૨થી ૨૦૨૨ સુધીમાં ૬૭ નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. રૂ. ૨૬.૭૪ કરોડનાં ખર્ચે સ્થપાયેલા આ ૦૪ સબસ્ટેશનોથી જિલ્લાનાં સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા અને દશાડા તાલુકાનાં ૨૧ જેટલા ગામોનાં ૬૯૧૬ ગ્રાહકોને લાભાન્વિત થશે. આ ગ્રાહકો પૈકી ખેતીવાડી વિસ્તારનાં લાભાર્થી ગ્રાહકોની સંખ્યા ૧૦૨૦ છે. નવા સ્થાપિત કરાયેલા ૬૬ કેવી સબસ્ટેશનોથી તે વિસ્તારોમાં પૂરતા દબાણથી વિજળી મળી શકશે. ફીડરોની લંબાઈ ઘટવાથી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટશે. ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે ગુણવત્તાસભર સાતત્યપૂર્ણ વીજ પુરવઠો તેમજ જે-તે વિસ્તારોમાં નવા ખેતી વાડી તથા ઔદ્યોગિક વીજ જાેડાણો આપવામાં આવ્યાં છે. જિલ્લામાં આગામી બે નાણાકીય વર્ષમાં અન્ય ૧૧ સબસ્ટેશન કાર્યરત કરવાનું આયોજન છે. જે પૈકી ૬૬ કે.વી.નાં ધ્રાંગધ્રા તાલુકા ખાતે ૦૩ સબસ્ટેશન, મૂળી તાલુકા ખાતે ૦૩ સબસ્ટેશન, વઢવાણ તાલુકા ખાતે ૦૨ સબસ્ટેશન, ચોટીલા અને લખતર તાલુકામાં ૧-૧ સબસ્ટેશન તેમજ પાટડી તાલુકામાં ધામા ખાતે ૨૨૦ કેવીનું સબસ્ટેશન સ્થાપવાનું આયોજન છે.


