Gujarat

રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર કે ચૂંટણીના કામે ઉપયોગ કરી શકાશે નહીં

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતીનો ભંગ થવા સંભવ રહે છે.

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ બહાર પાડી સમગ્ર જામનગર જિલ્લામાં કોઈપણ રાજકીય પક્ષો, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર કે પક્ષના કામે ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. રજિસ્ટર કરાયેલ વાહન માટે અધિકારીશ્રી પાસેથી પરમીટ મેળવી, અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંડવાની રહેશે. આ પરમીટમાં વાહનની મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે.તેમજ વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર કે ચૂંટણીના કામે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો આર.ટી.ઓ. માન્ય વાહનોને લાગુ પડશે.

આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કમલ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે અને જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *