Gujarat

હવે ગ્રાહક નક્કી કરશે બિલ પ્રીપેડ ભરવું કે પોસ્ટપેડ

દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, પરંતુ ગ્રાહકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેનો એક મોટો પ્રયાસ છે. ખાસ વાત એ છે કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પૈસા પહેલા ભરવા (Prepaid) કે વપરાશ કર્યા પછી (Postpaid), તેનો નિર્ણય લેવાની સત્તા ગ્રાહકને સોંપવામાં આવી છે.

જૂના મીટરોનું સ્થાન લેશે સ્માર્ટ ટેક્નોલોજી CEAના રિપોર્ટ અનુસાર, હાલના પરંપરાગત મીટરોને આધુનિક કોમ્યુનિકેશન સુવિધાવાળા સ્માર્ટ મીટર સાથે રિપ્લેસ કરવામાં આવશે. આ મીટરો માત્ર રીડિંગ જ નહીં લે, પરંતુ વીજ કંપની અને ગ્રાહક વચ્ચે ટુ-વે કોમ્યુનિકેશન સ્થાપિત કરશે. તેનાથી વીજ વપરાશ પર સચોટ નજર રાખી શકાશે અને બિલિંગમાં થતી ભૂલો કે, માનવીય હસ્તક્ષેપને કારણે થતી ફરિયાદોનો અંત આવશે. ગ્રાહકોને મોબાઈલ એપ દ્વારા રિયલ-ટાઈમ ડેટા મળશે, જેનાથી તેઓ જાણી શકશે કે કયા સમયે કેટલો વીજ વપરાશ થઈ રહ્યો છે.

46 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 46 લાખથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે.

જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિજ કંપની (DGVCL) ના કાર્યક્ષેત્રમાં આવતા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 12 લાખ જેટલા મીટર લાગી ચૂક્યા છે. જો ઔદ્યોગિક હબ સુરતની વાત કરીએ તો, સુરત શહેર અને જિલ્લામાં જ 6 લાખથી વધુ સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરે ધબકી રહ્યા છે. આ આંકડો સૂચવે છે કે ગુજરાત ઝડપથી ડિજિટલ પાવર ગ્રીડ તરફ વધી રહ્યું છે.