રાજકોટ
રાજકોટના પડધરીના મોવિયામાં ઢાળ વિસ્તારમાં રૂરલ એસઓજીએ રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં વેચાણ માટે રાખેલો ૧૭ હજારની કિંમતનો ૧.૭૦૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. તેમજ ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂરલ એસઓજીના પીએસઆઈ એચ.એમ.રાણાએ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ જથ્થો રાજકોટથી લાવ્યાનું કબૂલ્યું હતું. રૂરલ એસઓજીના પીઆઈ એસ.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણાએ તેની ટીમ સાથે પડધરી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગના હતી. ત્યારે પડધરીના મોવિયા વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાનું બાતમી મળી હતી. આથી બાતમીના આધારે પડધરીના મોવિયામાં મફતીયા પરામાં રહેતાં રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડો પાડી ઘરના રૂમમાં સંતાડેલો ૧.૭૦૦ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલને અટકમાં લઈ રૂ.૧૭ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સુથારી કામ કરતા રસુલે જણાવ્યું હતું કે, ઘણા સમયથી કોઈ કામ-ધંધો ન હોવાથી મેં રાજકોટના જંક્શન અને ભગવતીપરા વિસ્તારના પેડલર પાસેથી ગાંજાનો જથ્થો પીવા અને વેચાણ માટે લઈ આવ્યો હતો. એસઓજીની ટીમે આરોપીની ધકપકડ કરી ગાંજાના જથ્થા સાથે પડધરી પોલીસને સોંપ્યો હતો. તેમજ માદક પદાર્થના સેમ્પલને એફએસએલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.


