Gujarat

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં પ્રાણીઓ માટે કુલર મૂકાયા

રાજકોટ
રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ગાઈડલાઈન્સ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવેલ છે. જેથી હાલમાં રાજકોટ ઝુ સૌરાષ્ટ્રભરના પર્યાવરણપ્રેમીઓ તથા પ્રવાસીઓને હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજાઓ તથા તહેવારોના દિવસો દરમિયાન ઝુ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દર વર્ષે અંદાજીત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝુની મુલાકાતે આવે છે હાલ ઝુ ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓના કુલ ૪૭૭ વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તે તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોઈ, સખત તાપ અને ગરમીના કારણે પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે કુદરતી પ્રકૃતિ અનુસાર ઝુ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ(તળાવ) બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. તેમજ પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર(ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. ઉનાળામાં બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. તદુપરાંત રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર(ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે તેમ ઝુ સુપ્રિ. ડો.આર.કે.હિરપરાએ કહ્યું હતું. વાંદરા માટે પાંજરામાં બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસી, તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ વાંદરાને સારી રીતે નિહાળી શકે છે.બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. ત્યાં પણ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી, શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ પ્રકારના હરણના પાંજરાઓમાં પુરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવ્સ્થા કરવામાં આવેલ છે. સાબર, હરણ માટે તેઓની પ્રકૃતિ અનુસાર પોન્ડમાં બેસી, ગરમીથી રાહત મેળવે છે. આ ઉપરાંત, ગરમીને કારણે ઝુ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓને ઝાડા કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ઓઆરએસ સપ્લાય કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં અંદાજે ૧૦% જેટલો ઘટાડો નોંધાય છે. જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વગેરે દૈનિક ખોરાકમાં વધારો નોંધાય છે. દર વર્ષે ઋતુ અનુસાર આ રીતે વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે તેમ અંતમાં સ્ટેન્ડિંગ ચેરમેન તથા ઝૂ સમિતિ ચેરમેને જણાવ્યું છે. મનપાના પ્રદ્યુમન પાર્ક ઝુમાં પણ ગરમીની અસર વર્તાવા લાગી છે. પ્રાણીઓ માટે દર વર્ષની જેમ ઠંડકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *