રાજકોટ
રાજકોટ શહેરમાં હવે કોરોના સંક્રમણ ક્યારે અટકે તે માલુમ પડતું નથી પરંતુ ટેસ્ટીંગ વધવા સાથે પોઝિટિવ રિપોર્ટ પણ વધવા લાગ્યા છે તે હકીકત છે. હજુ પણ લક્ષણો હોય તો તુરંત પરિક્ષણ કરવા આરોગ્ય વિભાગે સૌને સલાહ આપી છે. કોરોનાની આ લહેર હજુ સુધી જીવલેણ દેખાતી નથી. ૫થી ૭ દિવસમાં પણ પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થઇ જાય છે આથી ડર વગર કોરોનાનો સામનો કરવાની જરુર સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તથા વેક્સિન જ રામબાણ ઇલાજ છે તે હકીકત છે.રાજકોટ મહાનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતું રહ્યું છે પરંતુ ગઈકાલે શહેરમાં બપોર સુધીમાં જ નવા ૯૧ કેસ અને સાંજે ૩૪૭ કેસ આવતા કુલ ૪૩૮ કેસ નોંધાયા હતા. તે સાથે મહાનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીનો આંકડો પણ ૨૦૦૦ને પાર થઇ ગયો છે.દર કલાકે ૧૮ જેટલા લોકો કોરોના સંક્રમણ ના લપેટમાં આવી જાય છે. જાેકે હવે કોરોનાના લક્ષણો હળવા હોવાથી ૯૯ ટકા લોકો ઘરમાં આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે.પોઝિટિવિટી રેટ ૬.૩૩ ટકા સુધી પહોંચી ગયો હતો. જેમાં પણ ઉછાળો દેખાયો રહ્યો છે. જુદા-જુદા ૭ વિસ્તારમાં રહેલા ટેસ્ટીંગ બૂથ પર હવે વેઇટીંગ પણ દેખાઈ રહ્યું છે. રાજકોટ સિવિલમાં બીજી લહેરમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા હતા. આ કારણે તબીબો પીપીઈ કિટ પહેરે તો પણ સારવાર દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. સિવિલના ૮૧ તબીબ, ૮૯ નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ પોતાને સારવારની જરૂર પડી હતી તો બીજી તરફ તબીબ અને નર્સની અછત હોસ્પિટલમાં વર્તાતી હતી તેથી ઘણા તબીબો અને કર્મચારીઓએ એક જ સાથે બેથી ત્રણ શિફ્ટમાં ફરજ બજાવી હતી. હજુ રાજકોટ શહેરમાં એક્ટીવ રહેલા કેસમાંથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલા જ હોવાથી એ રાહતની વાત છે. સાથે મહાનગરમાં આજ સુધીના પોઝીટીવ કેસનો આંકડો ૪૫,૭૩૭ થઇ ગયો છે. આ પૈકી ૯૪.૮૫ એટલે કે ૪૩,૨૯૯ દર્દીઓ સ્વસ્થ પણ બની ગયા છે. છેલ્લા દિવસોમાં વધારવામાં આવેલા ટેસ્ટીંગ સાથે કુલ ટેસ્ટનો આંકડો ૧૫.૯૦ લાખ થઇ ગયો છે.
