વડોદરા
વડોદરાના અલકાપુરી જૈન સંઘ, ગાય સર્કલ ખાતેથી પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કરીને બંને મુમુક્ષુ વંદન અને તક્ષના માતા-પિતા પરિવારજનો તથા અલકાપુરી શ્રી સંઘના ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ શાહ હિંમતભાઈ શાહ દિલેશ મહેતા તથા સંઘના સૌ ભાઈઓ બહેનોએ આજે આ બંને મુમુક્ષુઓને સંસારીપણાની અંતિમ વિદાય આપી હતી. વિદાય આપતા પહેલા બંને મુમુક્ષુઓએ ચૈત્યવંદન કર્યું તથા સકળ શ્રી સંઘના લોકોએ એમની સાથે એમની આ આરાધનામાં ભાગ લીધો હતો. ત્યારબાદ વર્ષીદાન આપવામાં આવ્યું હતું અને સાધ્વીજી મહારાજના શ્રીમુખે માંગલિક ફરમાવ્યું ત્યારબાદ સંઘના તમામ લોકોએ બંને મુમુક્ષુ આત્માઓને ભગવાન મહાવીરના માર્ગે સંયમ પથ એનો ઉજળો રહે નિષ્કલંક રહે અને બંનેનું આત્મા મોક્ષ તરફ આગળ વધે અને સકલ જીવનું કલ્યાણ થાય તેરી મંગલ ભાવના સાથે આનંદ ના અશ્રુ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. બંને ચિ. વંદન અને ચિ. તક્ષની ૨૧મી તારીખે સુરત ખાતે પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા એટલે કે, આ સંસારને અલવિદા કહી ભગવાન મહાવીરનો સંયમ માર્ગ ગ્રહણ કરી દીક્ષા ગ્રહણ કરશે. પૂજ્ય ગુરુદેવ આ બંને બાળકોને ઓઘો વોહરાવશે. મુમુક્ષુ વંદને જણાવ્યું હતું કે, પ્રભુને પામવા હોય તો ગુરુની જરૂર પડે છે અને આજે હું એ ગુરુની પાસે જઇ રહ્યો છું. ૨૧મી જાન્યુઆરીએ સુરત ખાતે મને દીક્ષા આપવામાં આવશે. વંદનના પિતા ભરતભાઇ શાહે જણાવ્યું હતું કે, વંદન મારો એકનો એક દિકરો છે. મે તેને સામેથી સંયમના માર્ગે જવાની પ્રેરણા કરી છે. દીકરો ઘડપણની લાકડી કહેવાય પણ મેં વિચાર્યું છે કે, તે ઘડપણની લાકડી બની અમને બે જણને તારશે પણ ભગવાન મહાવીરના માર્ગે ચાલીને તે આખા જગતને તારશે એ ભાવનાથી હું તેને સંયમના માર્ગે મોકલુ છું. બાળ મુમુક્ષુ તક્ષના પિતા અનીશભાઇએ જણાવ્યુ હતું કે, અમારો પુત્ર સંયમના માર્ગે જઇ રહ્યો છે. તેની ૨૧ જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષા યોજાશે. તક્ષના દાદા દીપકભાઇએ જણાવ્યું હતું કે, તક્ષ ૫ વર્ષનો હતો ત્યારથી આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં જતો હતો અને તેમની સાથે ૧૩૦૦ કિલોમીટરનો વિહાર કર્યો છે. હવે ૧૩ વર્ષની ઉંમરે તે ભગવાન મહાવીરના માર્ગે જઇ રહ્યો છે.વડોદરા શહેરના અલકાપુરી જૈન સંઘમાં આવેલા બે નાના બાળ મુમુક્ષુ તક્ષ અને વંદન દીક્ષા લેવા જવા માટે આજે સવારે અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં દર્શન કરીને સુરત જવા પ્રયાણ કર્યું હતું. બંને મુમુક્ષુઓને પરિવાર અને જૈન શ્રદ્ધાળુઓએ સંસારી વેશમાં વિદાય આપી હતી. આ દરમિયાન મુમુક્ષુ ભાવુક થયા હતાં. આગામી ૨૧ જાન્યુઆરીએ પરમ પૂજ્ય આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તેઓ જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરશે. મુમુક્ષુ વંદન તેના પિતા ભરતભાઇનો એકનો એક પુત્ર છે.
