રાજ્યમાં કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને કૂલ રૂ.૧૦૦૦ લાખની સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને કૂલ રૂ.૬૫૦ લાખની આર્થિક સહાય, રાજ્યમાં મધમાખીનો ઉછેર કરતા મધમાખીના FPO, FPC, ‘A’ ગ્રેડની સહકારી સંસ્થાના સભાસદોને કૂલ રૂ.૧૦૦૦ લાખની સહાયનો પ્રારંભ થશે
ગુજરાત એક વૈવિધ્યલક્ષી કૃષિ અર્થતંત્ર ધરાવે છે. રાજ્ય કૃષિ અર્થતંત્રમાં ઓછુ મુલ્ય ધરાવતા પાકોને બદલે એકમ વિસ્તારમાં વધારે ઉત્પાદન આપતા પાકો જેવા કે, ફળો, શાકભાજી અને ગરમ મસાલાનો હિસ્સો વધતો જોવા મળે છે. આજે બાગાયતી ખેતી ફક્ત આજીવિકાનું સાધન જ નહીં પણ એક ઉધોગ તરીકે અપનાવાઇ રહી છે. બાગાયતી ખેતી થકી અન્ય પાકો કરતાં વધુ ઉત્પાદન મળે છે તેમજ પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. દક્ષિણ ગુજરાતમાં કેસર કેરી, ડાંગમાં સ્ટ્રોબેરી, ઉત્તર ગુજરાતમાં બટાટાની પ્રોસેસીંગ જાતો, કચ્છમાં ટીસ્યુકલ્ચર ખારેકનુ વાવેતર, સૌરાષ્ટ્રમાં ગીર કેસર કેરી, ડુંગળીનુ વાવેતર તેમજ ડુંગળીની સુકવણી કરેલ બનાવટો રાજ્ય સરકારના ખેડૂતલક્ષી દ્ર્ઢ્ઢ અભિગમ થકી જ શક્ય બન્યું છે અને રાજ્યના સૂકા – અર્ધ સૂકા વિસ્તારો પણ નંદનવન બન્યા છે. જેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. ગુજરાત રાજય રાષ્ટ્ર કક્ષાએ ફળપાકના ઉત્પાદનમાં ૯ ટકા, શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૬ ટકા, ફૂલપાકોના ઉત્પાદનમાં ૮ ટકા તેમજ મસાલા પાકોના ઉત્પાદનમાં ૧૨ ટકા હિસ્સો ધરાવે છે.રાજયની ગીરની કેસર કેરીને GI (Geographical Indication) મળેલ છે.વરીયાળી અને જીરૂના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ વરિયાળીના વાવેતર વિસ્તારમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજય ઈસબગુલના પ્રોસેસીંગ તથા નિકાસમાં દુનિયામાં અગ્રેસર છે. રાજ્યમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળનાં બાગાયત ખાતા હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત સેન્ટર ઓફ એક્સલન્સ થકી ખેડૂતો સુધી આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા તથા આવક વધારવા પ્રયત્નો થઇ રહ્યા છે. સરકારશ્રી દ્વારા નવી ખેતીને પ્રોત્સાહન આપવા બાગાયતી પાકોના વાવેતરના માર્ગદર્શનથી લઈ ને બાગાયતી પાકોના પ્રોસેસીંગ અને વેચાણ સુધીની વિવિધ વિષય ઉપર ખાસ કરીને યુવા ખેડૂતોને તાલીમ પુરી પાડવામાં આવે છે. જેની સફળતા ધ્યાને લઇ ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજય સરકાર તરફથી રાજયમાં વિવિધ જગ્યાએ આવા કેન્દ્રો ઉભા કરવામાં આવી રહેલ છે. ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્યમાં છ (સાબરકાંઠા, ગીર-સોમનાથ, કચ્છ, મહેસાણા, વલસાડ અને આણંદ) સેન્ટર ઓફ એક્સેલેન્સ હાલમાં કાર્યરત છે. રાજ્યમાં બીજા નવા ચાર (પોરબંદર, અરવલ્લી, પંચમહાલ અને નર્મદા) સેન્ટર ઓફ એક્સેલેન્સ નવનિર્માણ પામી રહેલ છે. જ્યારે અમદાવાદ, ખેડા અને જામનગર ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ કુલ રૂ. ૩૧૧૬ લાખના ખર્ચે ઉભા કરવામાં આવનાર છે.આ સેન્ટરો ખાતે નવીન તકનિકો માટે નિદર્શન એકમો, રક્ષિત ખેતીના એકમો જેમ કે પોલી હાઉસ-નેટ હાઉસ-પ્લગ નર્સરી વિગેરે, તાલીમ ભવન અને વહીવટી સંકુલ, પેક હાઉસ, કોલ્ડ ચેઇનને લગત એકમો તથા માતૃ બ્લોક અને હાઇટેક નર્સરી જેવા એકમો ઉપલબ્ધ હશે અને ખેડૂતો લાભાંવિત બનશે.તેમજ વિશ્ર્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોચી વળવા બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન(FPO)ને માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂ. ૨૫૦૦.૦૦ લાખના ખર્ચે પાંચ જિલ્લા જેમાં જામનગર, બનાસકાંઠા, કચ્છ, નવસારી અને પંચમહાલમાં પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ખેડૂતો ખેતી સાથે ખેતી આધારીત ઉદ્યોગો થકી ઉદ્યોગ સાહસિક બન્યા છે, મધમાખી ઉછેર થકી ખેડૂતો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મધમાખી મિશન કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે મધમાખીના ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ એકમ, બી ક્લિનિક જેવા વિવિધ ઘટકો માં કુલ રૂ. ૧૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.૩,૦૦,૦૦૦ તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ ૪,૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં બાગાયતી ખેતીમાં વધુ ઉત્પાદન તથા ઉચ્ચ ગુણવત્તા મળી રહે અને રાજ્યના ખેડૂતો એકસાથે મોટા વિસ્તારમાં આધુનીક બાગાયતી ખેતી કરતા થાય તે માટે બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના વિવિધ સાધનોમાં સહાય,બાગાયતી યાંત્રીકરણમાં સહાય એમ વિવિધ ઘટકોમાં વ્યક્તિગત ખેડૂત,FPO,FPC,રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ રૂ. ૫૦.૦૦ લાખ સુધીની સહાય આપવામાં આવનાર છે.
આગામી તા.૧ સપ્ટેમ્બરના રોજ માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના મીરોલી ગામે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મહંમદપુરા ગામે અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ખાતે રૂ. ૩૧૧૬ લાખ ના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપનું ઇ-ખાતમૂહુર્ત થનાર છે. તેમજ, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે, કચ્છ જિલ્લાના કુકમા સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ખાતે અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ખાતે રૂ. ૨૦૦૦ લાખ ના ખર્ચે નવનિર્માણ પામનાર પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટના ઇ-ખાતમૂહુર્ત થનાર છે. તથા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મસાલ પાકોની વૈજ્ઞાનિકનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. તથા માન મુખ્ય મંત્રી, શ્રીભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે લાભાર્થીઓને ચેક/ મંજુરીપત્ત્રોનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા ખેડૂતોના હિતાર્થે અમલમાં મુકેલ રાજ્યમાં કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય, રાજ્યમાં મધમાખી નો ઉછેર કરતા મધમાખીના FPO, FPC, ‘A’ ગ્રેડની સહકારી સંસ્થાના સભાસદોને આર્થિક સહાય જેવી યોજનાઓથી ખેડૂતોને અવગત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ (કૃષિ) શ્રી મુકેશ પુરી (IAS), બાગાયત નિયામકશ્રી ડો.પી.એમ.વઘાસિયા, સંયુકત બાગાયત નિયામક રાજકોટ વિભાગ શ્રી જે.કે.પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
