વન્ય પ્રાણી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.
જૂનાગઢ વન વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વન્ય જીવો પ્રત્યે જાગૃતિ અને સંરક્ષણના હેતુ માટે દર વર્ષે વન વિભાગ દ્વારા શાળા-કોલેજોમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગિરનાર અભયારણ્યમાં પ્રવાસન અભિશાપ કે આશીર્વાદ વિષય પર ડિબેટ સ્પર્ધા, વસુંધરા નેચર ક્લબના પ્રમુખશ્રી પ્રણવભાઈ વઘાસિયા દ્વારા પ્રેઝન્ટેશનના મારફત વન્યજીવના ખોરાક, સુભાષ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રારશ્રી ડો.પ્રેમલાલ ચંદાણી દ્વારા ગિરનારમાં જૈવ વિવિધતા અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ડો.એન.કે.ગોંટીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી ડો.આર.કે.સોલંકી, નાયબ વનસંરક્ષકશ્રી ટાસ્કફોર્સ બૃહદગીર જૂનાગઢ સુશ્રી ડી.એસ.ભારાઈએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ગિરનાર અભયારણ્યની માહિતી રજૂ કરતી ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડો.એન.એમ.ડાભી પ્રાધ્યાપક અને વડા, કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાઓ, આરએફઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


