રાજકોટ
રાજકોટ શહેર ડીસીપી ઝોન ૧ની એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમને વોન્ટેડ આરોપી વિક્રમ સોહલા અંગે ચોક્કસ બાતમી મળતા તેની ઉપર વોચ ગોઠવી હતી. બાતમી સાચી નીકળી હતી અને વિક્રમ સોહલા કુવાડવાથી ક્રેટા કારમાં સરધાર તરફ જતો હતો. ત્યારે સરધાર નજીક તેને એલસીબીની ટીમે અટકાવવાનો પ્રયાસ કરતા તેણે કારથી ટક્કર મારવાનો પ્રયાસ કરી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેનો પીછો કરી પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી. મહંતના આપઘાત કેસમાં હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. જેમાં વિક્રમ સોહલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં કુવાડવા પોલીસની તપાસ સામે અગાઉ મહંતના ભક્તો અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે. એટલુ જ નહીં આ કેસમાં સીટની રચના કરવાની પણ માગ કરી ચૂક્યા છે. આ કેસમાં લાંબા સમયથી ત્રણ આરોપીઓ વોન્ટેડ હોવા છતાં તેને ત્યાર પછી પણ એલસીબીની ટીમ, કુવાડવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પકડી શકી નથી. કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ૧ જૂન ૨૦૨૧ના રોજ આશ્રમમાં ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલામાં આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી જે-તે સમયે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો, આરોપીઓએ કાવતરું રચી મહંતને આપઘાત માટે મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા અને દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતનો પણ આરોપી તરીકે ઉમેરો કર્યો હતો. મહંતે આપઘાત કર્યા બાદ ગુનો નોંધાયો ત્યાં સુધી તો પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી જ હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે. આ બનાવમાં મુખ્ય ત્રણ આરોપી હજુ સુધી પકડાયા નથી.રાજકોટ-મોરબી રોડ પર આવેલા કાગદડી ગામ સ્થિત ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને આપઘાતની ફરજ પાડવાના કેસમાં ઘણાં સમયથી વોન્ટેડ આરોપી વિક્રમ સોહલા પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વિક્રમ સોહલા અંગે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરધાર પાસે વોચ ગોઠવી હતી. બાદમાં વિક્રમ સોહલા કાર સાથે નીકળતા તેને અટકાવવા પોલીસ કોશિશ કરી હતી. પરંતુ પોલીસની જ ગાડીને ટક્કર મારવાનો વિક્રમે પ્રયાસ કર્યો હતો.
