પાટણ
રાજસ્થાનથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સાતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગતરોજ આ માર્ગ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતના વાહનો હાઈવે પર એમ જ પડ્યા હતા. જે વાહનો સાથે લકઝરી ધડાકાભેર અથડાતા બસમાં બેઠેલા મુસાફરો પૈકી ૨૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તો બસનો ચાલક આ અકસ્માતમાં ફસાઈ જતા તેને બસના કાચ ફોડીને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી ચાર ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સાતલપુર નેશનલ હાઈવે ૨૭ ઉપર બનેલા આ માર્ગ અકસ્માતની ઘટનાને લઇને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી ટ્રાફિક નિયંત્રણમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સાતલપુર નેશનલ હાઈવે પર વારંવાર સર્જાતા માર્ગ અકસ્માતનાં બનાવ બાદ અકસ્માત ગ્રસ્ત વાહનોને તાત્કાલિક ધોરણે માર્ગ પરથી હટાવવામાં નહીં આવતા આકસ્મિક અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે તંત્ર દ્વારા હાઇવે પર સર્જાતા અકસ્માતોને લઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.પાટણ જિલ્લાનો સાતલપુર નેશનલ હાઈવે માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ લોડીંગ ટેલરના ત્રિપલ અકસ્માતની ઘટના હજી ભૂલાઈ નથી, ત્યાં નેશનલ હાઈવે પર અકસ્માત ગ્રસ્ત હાઈવે ઉપર પડેલા લોડીંગ વાહન સાથે બસ અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ૨૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


