સુરત
સુરતમાં વરસાદ પહેલા રોડ બનાવવાની સૂચના બાદ રોડ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. પરંતુ કેટલીક જગ્યાએ રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. લોકોની આવી ફરિયાદ વચ્ચે આજે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીમાં આજે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડ બનાવવાની કામગીરી માટે પાલિકાના કોન્ટ્રાક્ટરો મશીન લઈને અંજની સોસાયટી પર પહોંચી ગયા હતા. રોડ બનાવવાની કામગીરી પહેલા અગાઉ બનેલા રોડનું એક પડ કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ રોડ કારપેટની કામગીરી મશીનથી કરવાની હોય મશીન ઉતારવામાં આવ્યું હતું. પરંતુ રોડ કાર પેટીંગનું કામ થાય તે પહેલાં જ પહેલાના રોડમાં મશીન બેસી ગયું અને ફસાઈ ગયું હતું. જેથી ડામર લઈને આવતા ડમ્પરથી ધક્કો મારી ભારે જહેમતે મશીન બહાર કાઢવું પડ્યું હતું. પાલિકાએ બનાવેલા રોડ પર પાલિકાનું રોડ બનાવવાનું મશીન ફસાઈ જતાં સ્થાનિકો જાેવા માટે ભેગા થયા હતા. ભેગા થયેલા લોકો એવી ચર્ચા કરતાં હતા કે રોડ બનવવા માટેનું મશીન રોડમાં જ ફસાઈ ગયું છે તો પાલિકાએ બનાવેલો રોડ કેટલો તકલાદી હશે. આ ઉપરાંત આ પ્રકારે આડેધડ ઉતાવળથી રોડ બનાવવાની કામગીરી થશે તેના કારણે ચોમાસાના વરસાદમાં રોડ ફરીથી ધોવાઈ જશે અને લોકોને હાલાકી પડશે. હાલ જે કામગીરી ચાલી રહી છે અને રોડમાં મશીન બેસી ગયું છે તે રોડની કામગીરીની તપાસ થવી જાેઈએ તેવી માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં પુણા વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં રોડ બનાવવા માટે આવેલ પાલિકાનું એક મશીન જ રોડમાં ફસાઈ ગયું હતું. રોડ બનાવવા માટે આવેલું મશીન જ રોડમાં ફસાઈ જતાં રોડની ગુણવત્તા સામે સ્થાનિકો પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. જાેકે, ડમ્પરથી ધક્કો મારી મશીનને ભારે જહેમતે બહાર કાઢવું પડ્યું હતું. જાે રોડ બનાવવામાં આ પ્રકારની વેઠ ઉતારવામાં આવે તો ચોમાસા પહેલા બનેલા રોડ ચોમાસા દરમિયાન તૂટી જાય તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ રોડ બનાવવાની કામગીરી થાય છે તેમાં કડક ચકાસણીની પણ લોકો માગણી કરી રહ્યાં છે.
