રાજ્યની સરકારી ઈજનેરી કોલેજમાં ફરજ બજાવતાં અધ્યાપકો પણ તેમની વિવિધ પડતર માગણીઓને લઈ આંદોલનની જાહેરાત કરી છે. કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS), OPS, બઢતી, વિનંતીથી બદલી, એડ હોક સેવાને સળંગ નોકરીમાં ગણવામાં આવે સહિતના વિવિધ પ્રશ્નોને લઈ અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં આ અધ્યાપકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા અભિયાન, કાળા કપડા અને કાળી પટ્ટી તેમજ બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરવા સહિતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા જાહેર કરાયેલા આંદોલનના કાર્યક્રમમાં પ્રથમ તા.૧૨થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન સોશિયલ મીડિયા પર મેસેજ, પોસ્ટર અને સુત્રો દ્વારા વિરોધ કરવામાં આવશે. ૧૫થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન કાળા કપડા અને કાળી પટ્ટી બાંધી વિવિધ કોલેજના કેમ્પસમાં સુત્રોચાર કરવામાં આવશે. ૨૩મી સપ્ટેમ્બરથી જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. આ કર્મચારીઓનુ કહેવુ છે કે, વર્ષ-૨૦૧૬ બાદ પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો નથી. સહાયક પ્રાધ્યાપક વર્ગ-૨માથી સહપ્રાધ્યાપક વર્ગ-૧મા બઢતીની પ્રક્રિયા વર્ષ-૨૦૧૨ પછી કરવામાં આવી નથી. એડ હોક સેવાને સળંગ નોકરીમાં ગણવામાં આવતી નથી.
