* જજૅરીત હાલતથી વાહનચાલકોમાં ભયનો માહોલ,
* પુલની રેલીંગ તુટેલી હાલતમાં,પિલ્લરો અને નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળતા સળીયા દેખાવા માંડ્યા,
નેત્રંગના થવા ગામની કરજણ નદી ઉપરના પુલની જજૅરીત હાલતથી વાહનચાલકોમાં ભયનો માહોલ જણાઇ રહ્યો છે,
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આદિવાસી વિસ્તારના પછાત તાલુકા-જીલ્લા અને મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ રાજ્યના ગામડાઓ અને શહેરી વિસ્તારોને જોડે છે.જેમાં વષૉ પહેલા આ માગૅ ઉપર આવેલ ખાડી-કોતરો અને નદીઓ ઉપર ઓછું ભાર વહન કરવાવાળા પુલોનું નિમૉણ કરવામાં આવ્યું હતું.પરંતુ આ માગૅૅ ઉપર મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તાર ઉપર આવેલ ખાપર ગામ પાસ એકમાત્ર ટોલટેક્સ અને ઓછી ટ્રાફિક સમસ્યા હોવાથી વાહનચાલકો ધારેલા સમયમાં જે તે સ્થળ ઉપર પહોંચવા આ માગૅનો વધુ ઉપયોગ કરવા માંડ્યા હતા.જેમાં હાલના સમયમાં પુલની ક્ષમતા અને બમણુ વજન ધરાવતા મહારાષ્ટ્રના નંદુરબાર,ધુલીયા અને જલગાવ જીલ્લા સહિત મધ્યપ્રદેશ રાજ્યમાંથી માલધારી વાહનોની રાત-દિવસ અવરજવર રહે છે.જ્યારે ગુજરાત રાજયમાંથી પણ અંકલેશ્વર,ભરૂચ,વડોદરા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ વિસ્તારોમાં વાહનવ્યવહાર બેફામ દોડી રહ્યા છે.રેતી ભરેલા હાઇવા-ડમ્પરો પણ રાત-દિવસ ત્રણ ગણી સંખ્યામાં દોડી રહ્યા છેે.
તેવા સંજોગોમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અને નેત્રંગ તાલુકાના થવા ગામની સીમમાંથી પસાર થતી કરજણ નદી ઉપરના પુલની હાલત દિન-પ્રતિદિન જજૅરીત થઇ રહી છે.જેમાં પુલની રેલીંગ તુટેલી હાલતમાં છે,અને પુલ ઉપરથી વરસાદી પાણીમાં ડામરનું ધોવાણ થતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.પુલના પિલ્લરો અને નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે મોટી હોનારત બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.રાત-દિવસ ચાલતા વાહનચાલકોની મામુલી ગફલતના કારણે જીવલેણ અકસ્માતનો ભોગ બનવું પડી શકે છે.જેથી રાહદારીઓ,મુસાફરો અને વાહનચાલકો જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થવા મજબુર બન્યા છે,જ્યારે માગૅ અને મકાન વિભાગ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.જેમાં વાહનચાલકો અને આમ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પુલના સમારકામ અને નવીનીકરણની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


