અહીં રાજ્યનું સૌપ્રથમ કાર્ગો વિમાન લેન્ડ થશે
અંકલેશ્વર અમરતપુરા પાસે રાજ્યનો સૌથી મોટો રન-વે બનાવવા માટેની કવાયત ઝડપી બની છે, જેમાં 2.5 કિમી લંબાઈ ધરાવતી એર સ્ટ્રિપ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે. જ્યારે હવે રાજ્યની ચોથી એર સ્ટ્રિપ અંકલેશ્વર ખાતે બનવા જઈ રહી છે. અહીં રાજ્યની સૌપ્રથમ કાર્ગો વિમાન સેવા શરૂ થવાની છે, સાથોસાથ વિમાન રિપેરિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ એર સ્ટ્રિપ પર બોઇંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે.
ભરૂચ જિલ્લા પાસે હવાઈ સેવા ન હતી. ત્યારે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે 100 કરોડ ફાળવીને કાર્ગો સર્વિસ સેવા ઊભી કરવામાં આવશે, એવી જાહેરાત ગત 25મી ડિસેમ્બરના રોજ કરી હતી, જેની ટેન્ડરપ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં હાલ અઢી કિમી લાંબો રનવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત છે. એ વચ્ચે ગત રોજ રાજ્ય ઉડ્ડયનમંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલ સાથે એર સ્ટ્રિપની ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરીને કોન્ટ્રેક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, એમાં ઇજારદાર દ્વારા કામગીરી 18 મહિના કરતાં પહેલાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ હતી.
રાજ્ય સરકાર અંકલેશ્વરના માંડવા ખાતે એર સ્ટ્રિપ સ્થળ એટલે અમરતપુરા ખાતે કાર્ગો સર્વિસની સેવા શરૂ કરશે. રાજ્યનાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ ભરૂચમાં અઢી કિમીનો રનવે બનવા જઈ રહ્યો છે, જેના પર બોઈંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે. બીજા ફેઝમાં વિમાન રિપેરિંગ સેન્ટર, કાર્ગો હેન્ગર સહિતની અન્ય સેવા કામગીરી શરૂ કરાશે.

