અમદાવાદ
ભાજપ હવે ભરતી મેળામાં લાગી ગયો છે, જ્યાંથી મળે ત્યાંથી અને તોડાય એટલા તોડોના મંત્ર સાથે કોંગ્રેસના કે પોતાના નારાજ થયેલા જૂના નેતાઓને પણ પાર્ટીમાં આવકારી રહ્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અનેક નેતાઓ, કાર્યકરો અને સામાજિક આગેવાનોને ભાજપમાં જાેડશે. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના નજીકના ગણાતા તથા માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ (૨૦૦૨થી ૨૦૧૨)નો સમાવેશ થાય છે. ભાજપે પ્રાગજીભાઈ પટેલને ૨૦૧૭માં સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ આજે ફરી ભાજપમાં જાેડશે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જાેડાય શકે છે. ૬ અપ્રિલે અશ્વિન કોટવાલ ભાજપમાં જાેડાય તેવી શક્યતા છે. હિંમતનગર ખાતે યોજાનારા ભાજપના સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. અશ્વિન કોટવાલ વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાના આદિવાસી સાથી એવા અશ્વિન કોટવાલને ગુમાવવા માગતા નથી એટલે સતત મનામણા કરી રહ્યા છે, પણ કોંગ્રેસના ઘણાં નેતાઓ માને છે કે કોટવાલ ભાજપમાં જતા રહે તો ફાયદો કોંગ્રેસને થાય કારણ કે ઘણાં સમયથી કોટવાલ અને તેમના પુત્રના જાહેર વર્તનને લઈને લોકોમાં ફરિયાદ છે અને જાે તે આવતી ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડે તો કોંગ્રેસ ત્યાં હારે તેમ છે. પરંતુ આ તરફ ભાજપના રાજ્યસભાના સાંસદ અને ખેડબ્રહ્માના મહિલા આદિવાસી નેતા રમીલાબેન બારા નથી ઇચ્છતાં કે કોટવાલ ભાજપમાં આવે, કારણ કે તેમ થાય તો બારા પરિવારના વર્ચસ્વ પર અસર થાય છે.
