કૃષિ મંત્રી, મેયર સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે અનોખો કાર્યક્રમ
જામનગર તા.૨૪ મે, જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કસરત વિભાગમાં અતિ મહત્વના ગણાતા આધુનિક આઇ.એફ.ટી. એન્ડ ટી.ઈ.એન.એસ. મશીનરી આપવાના લાભાર્થે આગામી તારીખ 28 મે 2022 ના શનિવારે 9:30 કલાકે ટાઉનહોલ ખાતે જાદુ કે રંગ પાર્ટ- 2 યોજાવા જઇ રહ્યો છે.
જામનગરમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ અને જામનગરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી વિશેષ ઉપસ્થિત રહી આ સેવાકાર્યને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત જામનગરના કલાપ્રેમી અને સીને ટ્યુન્સના આનંદભાઈ માડમ, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના મ્યુઝિક થેરાપી વિભાગના જુહીબેન સંપટ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, જામનગર પત્રકાર મંડળના મંત્રી કિંજલભાઈ કારસરીયા, રાજકોટથી જાદુગર કિંગ મનાતા રાજેશભાઈ જોશી, વીજ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.ઘાડિયા, પીજીવીસીએલ ડેપ્યુટી ઇજનેર મયુરભાઈ કાલરીયા, અગ્રણી વકીલ એચ.આઇ.ખફી, સુખી એન્ટરપ્રાઈઝના મોહનભાઈ મારવાડી, રાજ ડિઝાઇનના રીતેશભાઈ નથવાણી તેમજ બી. મગનલાલ એન્ડ કંપનીના નિલેશભાઈ શાહ સહિતના અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરશે.
જામનગરના જાણીતા કલાકાર જાદુગર રોબર્ટ અને દીપક દવે આયોજિત આ કાર્યક્રમમાં બોલીવુડમાં ગુજ્જુ હાસ્યના બેતાજ બાદશાહ ગણાતા ધારશી બેરડીયા ખાસ પોતાની આગવી શૈલીમાં લોકોને પેટ પકડીને હસાવશે. આ ઉપરાંત ટાઉનહોલમાં જાદુના ખેલ પણ જોવા મળશે જેમાં જામનગરના જ જાણીતા કલાકાર રોબર્ટ આચાર્ય ઉપરાંત મેજિશિયન પ્રિન્સ વિવેક અને જાદુગર બિરવા પણ પોતાની કળા થી લોકોને ખુશ કરી ભગીરથ કાર્યમાં યોગદાન આપવા અનોખી પહેલ કરશે. શનિવારે રાત્રે ટાઉનહોલ ના સ્ટેજ પર બોલીવુડના બેતાજ બાદશાહ ગણાતા અમિતાભ બચ્ચનના જુનિયર અને ગોવિંદાના જુનિયર કલાકારો પણ લોકોનું મનોરંજન કરશે. ટાઉનહોલ ખાતે રંગારંગ કાર્યક્રમની જામનગરના જ સિંગર અને એન્કર મુન્નાખાન પઠાણ પોતાની આગવી શૈલીથી કાર્યક્રમનું સંચાલન કરશે.
જામનગરના ટાઉનહોલ ખાતે આવતા શનિવારે હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ માટે યોજાનારા જાદુ કે રંગ પાર્ટ -2 કાર્યક્રમ મા લોકો અદમ્ય ઉત્સાહ સાથે જોડાઇ રહ્યા છે અને તમામ સીટો હાઉસફુલ થઈ ચૂકી છે. છેલ્લા કેટલાય દિવસોથી જાદુગર રોબર્ટ આચાર્ય કે જે છેલ્લા 35 વર્ષથી સેવા પ્રવૃત્તિ માટે જાદુના ખેલ કરે છે તે અને દીપક દવે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


