Gujarat

આજે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ  જગ્યાએ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે 

ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા, કવાંટ અને છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે.
તા. ૦૯મી, ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડે ઓફ ઇન્ડીજીનિયસ પીપલ્સ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તા. ૦૯મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આદિવાસીબહુલ વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રણ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નકકી કરવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં રાજયકક્ષાએથી મંત્રીઓ ઉપસ્થિત રહી આદિવાસી સમાજ સાથે આદિવાસી દિનની ઉજવણીમાં સહભાગી થશે.
વિશ્વ આદિવાસી દિન નિમિત્તે છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામીનારાયણ હોલમાં આયોજીત થનારા કાર્યક્રમમાં પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનનો કાર્યક્રમ યોજાશે.
ગાયત્રી મંદિરની બાજુમાં સૈડીવાસણ રોડ, કવાંટ ખાતે યોજાનારા વિશ્વ આદિવાસી દિન ઉજવણી કાર્યક્રમમાં રાજયના કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ, અને કલાઇમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી વિભાગના રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જયારે ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજયમંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના રૂા. ૧૮૬૩.૨૩ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત  આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાના ૧,૧૫,૯૧૩ લાભાર્થીઓને રૂા.૧૮૨૯.૮૮ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિભાગોના પણ ૫૨૭ લાભાર્થીઓને કીટ, મંજુરી હુકમો અને ચેકનું વિતરણ કરવામાં આવશે.
  જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના સીધા માર્ગદર્શન હેઠળ યોજાનાર વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ જગ્યાએ યોજાનારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાની જાહેર જનતાને મોટી સંખ્યામાં સહભાગી થવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *