એકવાર એક વ્યક્તિ દુર્ગમ પહાડ ઉપર જાય છે,ત્યાં તેમને એક મહિલા જોવા મળી.તે વ્યક્તિને ઘણી જ નવાઇ લાગે છે.તેને જીજ્ઞાસા વ્યક્ત કરીને પુછ્યું કે તમે આ નિર્જન સ્થાન ઉપર શું કરો છો? તે મહિલાએ જવાબ આપ્યો કે મારે ખુબ જ અગત્યનું કામ છે.આ સાંભળીને તે વ્યક્તિએ પુછ્યું કે આપને કયા પ્રકારનું કામ છે? કારણ કે મને આ નિર્જન જગ્યાએ આપણા બે સીવાય બીજું કોઇ તો દેખાતું નથી.
ત્યારે મહિલાએ કહ્યું કે મારે બે બાજોને અને બે સમડીઓને પ્રશિક્ષણ આપવું છે.બે સસલાઓને આશ્વાસન આપવું છે.ગધેડાને આળસ અને પ્રમાદથી બહાર કાઢવો છે.એક સાપને ધર્મોપદેશ ઉપદેશ આપવો છે અને એક સિંહને વશમાં કરવો છે.ત્યારે તે વ્યક્તિ કહે છે કે પરંતુ આ બધા ક્યાં છે? મને તો આમાંના કોઇ અહી દેખાતા નથી.ત્યારે મહિલાએ કહ્યું કે આ બધા મારી અંદર જ છે.
બે બાજ જે દરેક ચીજવસ્તુઓ કે જે મને મળી છે તેની ઉપર નજર નાખે છે,તે સારી હોય કે ખરાબ મારે તેના ઉપર કામ કરવાનું હોય છે કે જેથી તે ફક્ત સારૂં જ જોઇ શકે અને તે છે મારી બે આંખો.. બે સમડી કે જે પોતાના પંજાથી ફક્ત બીજાને નુકશાન પહોંચાડે છે તેને મારે પ્રશિક્ષણ આપવાનું છે અને તે છે મારા બે હાથ.
બે સસલાં જે અહી તહી ભટકતાં રહે છે પરંતુ કઠિન પરિસ્થિતિનો સામનો કરવા ઇચ્છતાં નથી.મારે તેમને શિખવાડવાનું છે કે પીડા સહન કરીને કે ઠોકર ખાધા પછી પણ શાંત રહેવું જોઇએ અને તે છે મારા બે પગ.ગધેડો હંમેશાં થાકેલો રહે છે,જીદ્દી હોય છે.હું જ્યારે પણ તેને લઇને ચાલું છું ત્યારે તે બોજો ઉઠાવવા ઇચ્છતો નથી મારે તેને આળસ અને પ્રમાદથી બહાર કાઢવો છે અને તે છે મારૂં શરીર.
સૌથી કઠન કામ છે સાપને ધર્મ ઉપદેશ આપી મર્યાદામાં રાખવાનો.તે બત્રીસ સળિયાથી બનાવેલ પિંજરામાં પુરાયેલ છે તેમછતાં તેની નજીક આવતા દરેકને ડંખ મારવા,કરડવા અને તેમની ઉપર પોતાનું ઝેર ઓંકવા આતુર રહે છે.મારે તેને અનુશાસિત કરવાનો છે અને તે છે મારી જીભ..
મારી પાસે એક સિંહ છે કે જે નિરર્થક ઘમંડ કરતો જ રહે છે.તે વિચારે છે કે તે પોતે એક રાજા છે. મારે તેને વશમાં કરવો છે અને તે છે મારૂં હું-પણું..
આપે જોયુંને કે મારે કેટલું મોટું કામ કરવાનું છે.વિચારો અને વિચરણ કરીએ કે અમારા બધામાં ઘણી બધી સમાનતા છે.પોતે પોતાના ઉપર ઘણું બધું કામ કરવાનું છે માટે બીજાની પરીક્ષા કરવાનું, નિંદા કરવાનું, ટીકા-ટીપ્પણી કરવાનું અને બીજાઓના વિશે ખોટી નકારાત્મક ધારણાઓ બાંધવાનું બંધ કરી દઇએ.આવો પોતે પોતાનાથી શરૂઆત કરીએ.આધ્યાત્મિક સ્તર ઉપર આ વાતોને આપણે અપનાવીએ..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


