રાવલ, મચ્છુન્દ્રી, શાહી, રૂપેણ નદીઓમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો..
ઊના – ઊના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી અતિભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાયેલ છે. અને ભારે વરસાદના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસી જતાં ભારે તારાજી જોવા મળી છે. ગત રાતથી આ લખાય છે ત્યાં સુધીમાં ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસતા ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૫ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારો ખોરવાયા હતા. અને કર્ફ્યુ જેવું વાતાવરણ છવાયુ છે. લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ચાલ્યા ગયા છે. ગીર પંથકના ઉપરવાસમાં અતિભારે વરસાદ પડતા નદી નાળા અને ખેતરાવ પાણી દોડતા થયા હતા. જેના કારણે રાવલ, મચ્છુન્દ્રી, રૂપેણ અને સાહી નદીમાં ઘોડાપુર આવતા લોકો નવાનિરને જોવા નદીઓ પર દોડી ગયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાતા લોકો પર ભારે અસર જોવા મળી છે.
ઊના શહેરી વિસ્તાર તેમજ ગીરગઢડા, દેલવાડા, ધોકડવા, સનખડા, ખત્રીવાડા, સામતેર, નવાબંદર, જરગલી, સીમાસી, કેસરીયા સહીતના મુખ્ય ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અડીને આવેલા અન્ય ગામોમાં પણ વરસાદની અસર જોવા મળી છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. અને એનડીઆરએફની ટીમને ઉના કાર્યરત કરી દેવાયેલ છે. ગીર પંથકમાં ભારે વરસાદ પડતા મુખ્ય ડેમો રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં જળશયની સપાટીમાં વધારો થયો છે. મેઘરાજાના આગમનથી ધરતીપુત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ભારે વરસાદે તંત્રની પોલ ખોલી હોય તેમ ચારેકોર વરસાદના પાણી ઘુસી જવાના કારણે રોડ રસ્તા અને ખેતરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા અને આ પાણી ઘરોમાં ઘુસી જતાં ઘરવખરી નાશ થવા પામેલ છે. હજી પણ ભારે વરસાદના હળવા ઝાંપટાઓ ધીમીધારે પડી રહ્યા છે.
બોક્ષ્ – રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો…
ઊના પંથક તેમજ ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડતા રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ લેરકા, સોખડા, કોબ, ચિખલી તરફ જતો મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો..
બોક્ષ્ – એલમપુર ગામમાં ઘરોમાં પાણી ઘુસી ગયા…
વહેલી સવારે અંધરાધાર વરસાદ શરૂ થતાં અને ખેતરાવ પાણી વહેતા થતાં આ પાણી એલમપુર ગામમાં ઘુસી જતાં લોકોના ઘરોમાં ગોઠણડુબ પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયુ હતું. અને કલાકો બાદ પાણી ઓસરતા લોકોએ પોતાના ઘર સાફ કરી રાહતનો શ્વાસ લીધો હતો..
બોક્ષ્ – રાવલ અને મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર પાણી આવ્યા…
ઉના ગીરગઢડા પંથકના જંગલ વિસ્તારમાં આવેલ રાવલ તેમજ મચ્છુન્દ્રી, શાહી, રૂપે નદીમાં ઘોડાપુર આવતા ગાંડીતુર બનેલ અને ચારેકોર પાણી પાણી નજરે પડતુ હતું. દેલવાડા થી સૈયદ રાજપરા જતો મુખ્ય રસ્તાના પુલનું કામ ધીમીગતીએ ચાલતુ હોય અને તેમાં પણ ચોમાસુ બેસી જતાં ભારે વરસાદના પાણીના કારણે આ રસ્તો સંપૂર્ણ બંઘ થઇ જતાં સૈયદ રાજપરા, સીમર, કાળાપાણ, ખાણ, ખજુદ્રા સહીતના ગામોના લોકોને વાયા અંજાર- કોઠારી ગામેથી નિકળતા રસ્તા પરથી વાહન વ્યવહાર ચલાવાથી ઘણા કિ.મી.દૂર ફરવુ પડેશે.
બોક્ષ્ – અનેક ગામો સંપર્ક વિહોણા..
અતિભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા અને તેની સાથે ખેતરાવ પાણી, નાળાઓના પાણી ભળી અને વિસ્તારોમાં પાણી ભરાતા ખત્રીવાડા, સોંદરડી, માણેકપુર સહીતના ગામો સંપર્ક વિહોણા બની જતાં તંત્રને પણ ભારે મુશ્કેલી પડી હતી.
બોક્ષ્ – પૂર્વ ધારાસભ્ય અસરગ્રસ્તોની મુલાકાતે પહોચ્યા…
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી જતાં અનેક સમસ્યાઓ સર્જાતા અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ સનખડા ગામે પહોચ્યા હતા. અને લોકોની રજુઆતો સમજી સમસ્યા તવિરીત નિકાલ માટે તંત્રને સુચનો કર્યા હતા..
બોક્ષ્ – તા. ૧૪/ ૧૫ જુલાઇના ભારે વરસાદની આગાહીથી શાળા કોલેજો બંધ…
આગામી તા.૧૪/૧૫ જુલાઇ બે દિવસ ભારે વરસાદ પડવાની હવાન ખાતાની આગાહીના પગલે ખડેપગે હોય અને ગીરસોમનાથ જીલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને જીલ્લા શિક્ષણાધિકારી દ્રારા તમામ શાળાઓમાં બે દિવસની રજાનો પરીપત્ર બહાર પાડતા શાળાઓ, કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવા આદેશ કરાયેલ છે. શહેરી વિસ્તારોમાં પણ વરસાદના પાણીઓ ચારેય તરફ ભરાતા આનંદ બજાર, ગીરગઢડા રોડ, વરસીંગપુર રોડ, પોલીસ લાઇન, જુના બસસ્ટેશન, વેરાવળ રોડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

