આણંદ
વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ડો. શિરીષ કુલકર્ણીનો કાર્યકાળ ભારે વિવાદમાં રહ્યો છે. ડો. શિરીષ કુલકર્ણીને પદભ્રષ્ટ કરાયા બાદ જીવકરણ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ દ્વારા તેમના શાસનમાં લેવાયેલા ર્નિણયોની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને યુનિવર્સિટીનું ૮૦-જીનું પ્રમાણપત્ર રદ થવાં છતાં એનઆરઆઈ પાસેથી અઢળક દાન લેવામાં આવ્યું છે. આ દાન સંદર્ભે ડો. શિરીષ કુલકર્ણી, મુખ્ય હિસાબી અધિકારી સહિત જવાબદારો સામે ફેમા, ફેરાના કાયદા હેઠળ પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. જીવકરણ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ દ્વારા એસપી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને વિવિધ ૨૨ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં ૨૦૧૬માં કુલપતિ તરીકે ડો. શિરીષ કુલકર્ણીની નિમણૂંકને કોર્ટમાં પડકારમાં આવી હતી. જેમાં ૪૯ દિવસ સુધી નીતિ વિષયક ર્નિણયો નહીં લેવા પર મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. બાદમાં ૩જી માર્ચ, ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટે નિમણૂંક રદ્દ કરી હતી. આથી ડો. શિરીષ કુલકર્ણીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા ર્નિણયોની પુનઃ વિચારણા કરવા માંગણી કરાઈ હતી. જેમાં સૌથી મોટો મુદ્દો દાનને લઇ ઉઠ્યો છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ સુધી યુનિવર્સિટીમાં જે દાન મળ્યું છે, તે દાન અંગે તપાસ થવી જરૂરી છે. યુનિવર્સિટી એક્ટમાં દાન આપનારા દાતાઓ અંગેની સ્પષ્ટ જાેગવાઇઓ કરવામાં આવી છે. દાતાઓએ આવકવેરા મુક્તિ ત્રણ જગ્યાએથી મેળવેલી હોય તેવા કિસ્સા પણ બન્યાં છે. વિદેશથી આવેલું દાન યુનિવર્સિટી લઇ શકે નહીં. કારણ કે વિદેશમાંથી દાન મેળવવા અંગેના પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસે નથી. યુનિવર્સિટીનું ૮૦જીનું પ્રમાણપત્ર પણ રદ થઇ ગયું છે. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા વિદેશનું દાન હોય તો પણ ૮૦જીનું પ્રમાણપત્ર દાતાઓને આપેલા છે. આમાં આવકવેરા કાયદાઓ ફેરા અને ફેમાનું ઉલ્લંઘન થયું છે. આથી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી તથા મુખ્ય હિસાબ અધિકારીનું ગુનાહિત કૃત્ય છે. આ બાબતે ન્યાયિક તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત ડો. શિરીષ કુલકર્ણી અમેરિકા સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના આમંત્રણથી વિદેશયાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે લગભગ દોઢ લાખ ડોલરનું દાન મેળવ્યાની આશંકા છે. આ દાનની રકમ હજુ સુધી યુનિવર્સિટીમાં જમા થઇ નથી. જે બાબતે ન્યાયિક તપાસ થવી જરૂરી છે.


