જામનગર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે વર્તુ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ઉત્ખનન કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા હોવાની ચોક્કસ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન નદીમાંથી રેતીનું જેસીબી દ્વારા ખનન કરી ટ્રેક્ટરમાં પરિવહન કરાતું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ દ્વારા નદીની બહાર એક જગ્યાએ જથ્થો સંગ્રહ કરી વેચાણ કરાતો હોવાનું પણ સામે આવ્યું હતું, જેને લઇને પોલીસે ખાણ ખનીજ ખાતાનો સંપર્ક કર્યો હતો. રેતી ચોરી સામે આવી હોવાની વિગતો સામે આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમે સ્થળ પર પડેલા જથ્થાનું આંકલન કરી ખનીજ ચોરીનો તાગ મેળવ્યો હતો. સ્થળ પરથી ૬૦૦ મેટ્રિક ટન તથા બીજા સ્થળે ૧૮૦ મેટ્રિક ટન એમ રૂપિયા ૧,૮૩,૨૦૦ ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેતી ઉત્ખનન માટે ૩૦ લાખની કિંમતનું એક હિટાચી તેમજ ૧૨ લાખની કિંમતનું એક જેસીબી તથા રૂપિયા ૮ લાખની કિંમત એક ડમ્પર અને ૧૨ લાખની કિંમતના ચાર ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યાં હતા.
વર્તુ નદીની અંદરથી રામભાઈ નાગાજણભાઇ ગોરાણીયા અને અરજનભાઇ લીલાભાઇ મોઢવાડિયા નામના તથા તેના સાગરિતો દ્વારા અહીંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે કલ્યાણપુર પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


