Gujarat

કાગવડ ખોડલધામ મંદિરને દિવાળી પર્વમાં દર્શનાર્થીઓના આગમન પૂર્વે લાઈટોથી શણગારી દેવાયું

વેકેશનમાં લાખો ભક્તો ઉમટી પડશે, દિવાળી અને નવા વર્ષની સૌને શુભકામના પાઠવતા ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ
જેતપુર, કાગવડ: મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 350થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવશે.
દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં નીતનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી છે અને દર્શનાર્થીઓ મા ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે તેવી અપીલ કરી છે.

IMG-20221021-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *