રૂ.૩૨ લાખના ખર્ચે નાની બાણુગાર, ફાચરિયા, વાગડિયા અને ઢીચડા ગામમાં ચેકડેમો અને તળાવો નિર્માણ પામશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ : કૃષિમંત્રીશ્રી
જામનગર તા.૧૭ જૂન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના નાની બાણુગાર, ફાચરિયા, વાગડિયા અને ઢીચડા ગામમાં ચેકડેમ અને તળાવોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પંચાયત સિંચાઇ વિભાગ હેઠળ હાલ ૪૦ કામો અંદાજિત રૂ.૩.૭૮ કરોડના પ્રગતિ હેઠળ છે. તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૪૨ કામો અંદાજિત કિંમત રૂ.૩.૪૫ કરોડ જેની મંજૂરીની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. કૃષિમંત્રી શ્રી દ્વારા રૂ.૩૨ લાખના ખર્ચે નાની બાણુગાર, ફાચરિયા, વાગડિયા અને ઢીચડામાં નિર્માણ પામનાર ચેકડેમો અને તળાવોનું ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેના થકી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ઠાંકશે. અને ખેડૂતો સિંચાઇ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે.
કૃષિમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે હૈયાત તળાવો અને ચેકડેમોના રિપેરિંગ થકી વરસાદી પાણી દરિયામાં જતું અટકશે. અને ખેડૂતો તેમજ ગ્રામજનો સંગ્રહ થયેલ વરસાદી પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુદરતી આફતો હોય કે અન્ય કોઈ મુસીબત સરકાર હંમેશા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. જો ખેડૂત સમૃદ્ધ હશે તો ગામડું સમૃદ્ધ હશે. અને ગામડું સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ હશે, તેમ મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિષે ખેડૂતોને માહિતગાર કરીને પાણીનું મૂલ્ય સમજાવ્યું હતું. કૃષિમંત્રીશ્રી દ્વારા જામનગર જિલ્લામાં ૪ અઠવાડિયાથી પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો અને ચેકડેમોના ખરમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. વિવિધ ગામડાઓમાં મંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા અનેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી મંત્રીશ્રીને અવકારીને આભાર વ્યક્ત કર્યો હતો.
ખાતમુહૂર્ત કરાયેલા ચેકડેમોમાં નાની બાણુગાર ખાતે રૂ.૧૩લાખના ખર્ચે મંજૂર થયેલ બે કામો જેમાં નાની બાણુગાર ચેકડેમ મોહન કાનાની વાડી પાસે અને મોહન માનસુખની વાડી પાસે ચેકડેમનું રિનોવેશન, ફાચરિયા ગામે રૂ.૫ લાખના ખર્ચે જમનદેવરાજની વાડી પાસે તળાવ, વાગડિયા ચેકડેમ નં-૨ રૂ.૮.૫૦ લાખના ખર્ચે તેમજ ઢીચડા ગમે રૂ.૫.૫૦ લાખના ખર્ચે ભંગ ડેમનું કામ આગામી સમયમાં પૂર્ણ થશે.
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, જિલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઈ કનઝારીયા, તાલુકા સદસ્ય મામદ ભાઇ , ઢીંચડા સરપંચ શ્રી બાબાભાઈ, જિલ્લા પંચાયત સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિઠ્ઠલભાઇ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભાનુબેન જેપાલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ શ્રીમતી કૈલાશબેન મૂંગરા, મનસુખભાઇ ચાવડા, શ્રીમતી કાજલબેન દરગાણી, નારસિંહભાઈ ડાંગરિયા તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
